/connect-gujarat/media/post_banners/30aecd189150d161fd7a59ad8d439cd3211899dce99d70c70c265e2c1f6a3b4c.webp)
તહેવારોની સિઝનમાં ઘરેલુ પ્રવૃત્તિઓમાં તેજી અને ખરીદીમાં વધારો થવાને કારણે સરકારે આ વર્ષે નવેમ્બરમાં જીએસટીના રૂપમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં 15 ટકા વધુ કમાણી કરી છે. GST કલેક્શનની આ ગતિ ચાલુ નાણાકીય વર્ષના કોઈપણ મહિનામાં સૌથી વધુ છે. નાણા મંત્રાલય દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2023-24માં નવેમ્બર સુધી કુલ GST કલેક્શન 13,32,440 કરોડ રૂપિયા રહ્યું છે. આ રીતે, એપ્રિલથી અત્યાર સુધીમાં, સરકારને GSTના રૂપમાં દર મહિને સરેરાશ 1.66 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ આંકડો 2022-23ના સમાન સમયગાળા માટે 1.49 લાખ કરોડ રૂપિયાના સરેરાશ GST કલેક્શન કરતાં 11.9 ટકા વધુ છે. 2023-24માં સળંગ છઠ્ઠા મહિને ટેક્સ કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું છે.
ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર એમએસ મણીએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં સરેરાશ રૂ. 1.66 લાખ કરોડનું કલેક્શન ઉત્પાદન અને વપરાશમાં વૃદ્ધિ દર્શાવે છે. તે અર્થતંત્રની સ્થિતિનું સારું બેરોમીટર છે. કરચોરીને કાબૂમાં લેવા અને અનુપાલનને સરળ બનાવવાના કર સત્તાવાળાઓના પ્રયાસોને કારણે કલેક્શનમાં પણ વધારો થયો છે.