સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનું 12માં ધોરણનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સીબીએસઈ ધોરણ 12ના પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે એટલે કે 13 મેના રોજ સીબીએસઈ ધોરણ 12નું પરિણામ 2026 જાહેર કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ વેબસાઇટ, ડિજિલોકર, ઉમંગ એપ, એસએમએસ અને ફોન દ્વારા સીધું જ પોતાનું પરિણામ જોઈ શકે છે. આ વખતે પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી છે. દર વર્ષની જેમ આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે અને વિદ્યાર્થીઓ કરતા ચડિયાતું પરિણામ લાવીને પોતાનો ગ્રાફ ફરી એકવાર ટોચ પર પહોંચાડી દીધો છે.
આ વર્ષે સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષામાં આશરે 18.5 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ પૈકી અંદાજે 10.2 લાખ છોકરાઓ અને લગભગ 8.3 લાખ છોકરીઓ પરીક્ષા આપવા પહોંચી હતી.
સીબીએસઈ ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. આ વર્ષે 88.86 ટકા છોકરીઓ પાસ થઈ છે, જેની સામે છોકરાઓનું પરિણામ માત્ર 82.13 ટકા રહ્યું છે. જ્યાં છોકરાઓનું પાસિંગ પર્સન્ટેજ અપેક્ષા કરતા ઓછું રહ્યું છે, ત્યાં બીજી તરફ છોકરીઓએ શાનદાર પ્રદર્શન કરીને ફરી એકવાર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
