રાજ્યમાં વીજ માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન સર્જાયું

દક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ બાદ સૌથી મોટું વીજ સંકટ ઘેરાયું

શહેરી-ગ્રામીણ વિસ્તારો અને ઉદ્યોગો પર વીજકાપની અસર

સપ્તાહમાં 1 દિવસ 8 કલાક વીજ પુરવઠો બંધ રાખવા સૂચન

સ્થિતિ અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાશે ઉચ્ચ સ્તરે રજૂઆત

દક્ષિણ ગુજરાતમાં વધતી વીજ માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન સર્જાતા 15 વર્ષ બાદ સૌથી મોટું વીજ સંકટ ઘેરાયું છે, ત્યારે સુરતના શહેરી અને ગ્રામીણ વિસ્તારો સહિત ઉદ્યોગો પર વીજકાપની ગંભીર અસર જોવા મળી રહી છે.

ગુજરાતમાં ટેકનિકલ કારણો, કોલસા કે ગેસની અછત અથવા પાવર સપ્લાયના ખોરવાઈ જવાને કારણે વીજ ક્ષમતામાં મોટો ઘટાડો નોંધાયો છે. આ સંકટને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના મોટા ઔદ્યોગિક હબ અને ગ્રામીણ વિસ્તારો ભારે પ્રભાવિત થયા છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં આવી ગંભીર પરિસ્થિતિ ક્યારેય જોવા મળી નથી. સામાન્ય રીતે સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં 24 કલાક અવિરત પાવર સપ્લાય પૂરો પાડવામાં આવતો હોય છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ અને કોલસાના ભાવ ભડકે બળતા પાવર પ્લાન્ટ્સને પણ અસર પહોચી છે, ત્યારે સમગ્ર મામલે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા બેઠક યોજાય હતી. જેમાં અઠવાડિયામાં 1 દિવસ સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

તો બીજી તરફ, પીક અવર્સ દરમિયાન વીજળી ગુલ થવાથી ઔદ્યોગિક એકમોમાં કરોડો રૂપિયાના નુકસાન અને શ્રમિકોની રોજગારી પ્રભાવિત થવાનો ભય ઊભો થયો છે. જોકે, હાલની સ્થિતિની ગંભીરતાને જોતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે.