/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/10132833/maxresdefault-107.jpg)
દાહોદ શહેરના મધ્યમાં આવેલ ગોવિંદનગર વિસ્તારમાં રહેતા રેલ્વે અધિકારીના ઘરમાં 4 લુંટારૂઓએ બાળકોને બાનમાં લઈને લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયાં હતા. બનાવના પગલે પોલીસે CCTV ફૂટેજ મેળવી લૂંટને અંજામ આપનાર લુંટારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, દાહોદના ગોવિંદનગર વિસ્તારની સોસાયટીમાં રહેતા અને રેલ્વેમાં ફરજ બજાવતા અધિકારી આજે તેમના બાળકનો જન્મદિવસ હોવાથી સાંજના સમયે બજારમાં બાળકના જન્મ દિવસે ગિફ્ટ આપવા માટે ગિફ્ટ લેવા તેમના બાળકોને ઘરે મૂકીને જ ગયા હતા, ત્યારે સાંજના 4 વાગ્યાના અરસામાં ઘરમાં બાળકોની એકલતાનો લાભ લઈને 4 લૂંટારુઓએ ઘરનો દરવાજો ખટખટાવતા બાળકોએ તેમને પૂછ્યું હતું કે, કોણ છો..? અને કોનું કામ છે..? ત્યારે સામેથી જવાબ મળ્યો કે, તમારા પપ્પાએ અમને બોલાવ્યા છે, ત્યારે અંદર રહેલી બાળકીએ તેમને જવાબ આપ્યો હતો કે, ઘરમાં મમ્મી-પપ્પા નથી અને અમે તમને અંદર નહિ આવવ દઈએ, ત્યારે લુંટારૂઓએ અંદર રહેલા બાળકો પાસે પીવાના પાણીની માંગ કરી હતી.
જોકે બાળકીએ તેમને પાણી આપવા માટે દરવાજો અદુકડો ખોલ્યો હતો, ત્યારે ચારેય લૂંટારૂઓએ દરવાજાને જોરથી ધક્કો મારી દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. બાળકોને બાનમાં લઈને લૂંટારુઓએ નાની બાળકીને ધમકીઓ આપી પૂછ્યું હતું કે, રૂપિયા અને ચીજવસ્તુઓ ક્યાં મૂકી છે. જો નહિ બતાવે તો તારા ભાઈને જાનથી મારી નાખીશું… તેવી ધમકીઓ બાળકીને આપી અને ઘરમાં મુકેલી રોકડ અને સોનાચાંદીના દાગીના લઈને ચારેય લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.
જોકે સામાન લેવા ગયેલા દંપતી ઘરે આવતા જ ઘરનો માહોલ જોતાં બાળકોને પૂછતાં જણાવ્યું હતું કે, 4 અજાણ્યા યુવકો જબરદસ્તી ઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ અને સોના ચાંદીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. જેમાં રોકડ રકમ 2.50 લાખ રૂપિયા અને રૂપિયા 30 લાખના સોનાચાંદીના દાગીના મળી કુલ કિંમત 32.50 લાખ રૂપિયાના માલમત્તાને લૂંટી લૂંટારા ફરાર થયાં હતા. બનાવની જાણ દાહોદ શહેર પોલીસને કરાતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. જોકે લૂંટને અંજામ આપનાર અજાણ્યા લુંટારૂઓની તેહ તક પહોંચવા માટે પોલીસે CCTV કેમેરાનો સહારો મેળવી ચારેય અજાણ્યા લૂંટારૂઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.