ભગવાનને સોનું ચડાવવાના બહાને કરી ઠગાઈ
રાતોરાત નકલી બેંક ઉભી કરીને આચર્યું ઠગાઈનું કૃત્ય
200 ગ્રામ સોનાના બિસ્કીટ લઈ નકલી મેનેજર ફરાર
ભાડાથી લઈ ફર્નિચરવાળા સુધી બધાને આપ્યા ફ્રોડ ચેક
પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ
દાહોદમાં રાતોરાત એક નકલી બેન્ક ફાયનાન્સ બેંક ઉભી થઇ હતી,અને ભેજાબાજ મેનેજર એક જવેલર્સને ખંખેરીને પલાયન થઇ ગયા હતા,ફિલ્મી સ્ટોરી જેવી વાસ્તવિક ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
અક્ષય કુમારની ફિલ્મ ‘સ્પેશિયલ 26’ સ્ટાઈલથી દાહોદના ગોધરા રોડ પર આવેલા લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરમાં રાતોરાત એક આખી નકલી બેંક ઊભી કરી દેવામાં આવી હતી.જેનું નામ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક હતું. અને સવાર પડતાની સાથે જ આ નકલી બેંકનો મેનેજર એક જ્વેલર્સને લાખો રૂપિયાનો ચૂનો લગાડીને ફરાર થઈ ગયો હતો. આ મહાઠગનો પ્લાન એટલો પાકો હતો કે કોઈને પણ શંકા ન જાય. તેણે એક જ દિવસમાં આખી બેંક સેટ કરી દીધી હતી. ઓફિસમાં કોમ્પ્યુટર ગોઠવ્યા, તિજોરીઓ મૂકી અને શાનદાર ફર્નિચર પણ તૈયાર કરાવ્યું હતું.એટલું જ નહીં, સ્થાનિક લોકોને શંકા ન જાય તે માટે નકલી ઇન્ટરવ્યૂ ગોઠવીને કેટલીક યુવતીઓને નોકરી પર પણ રાખી લીધી હતી,આ વૈભવી સેટઅપ જોઈને દાહોદના એક જાણીતા જ્વેલર્સ પણ વિશ્વાસમાં આવી ગયા હતા.
અષાઢી બીજ એટલે કે રથયાત્રાના પવિત્ર દિવસે આ નકલી મેનેજરે જાળ બિછાવી હતી. તેણે ભગવાનને સોનું ચડાવવાના બહાને જ્વેલર્સ પાસેથી 24 કેરેટ સોનાના 200 ગ્રામના બિસ્કિટ મંગાવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 28.60 લાખ રૂપિયા થવા જાય છે. જ્યારે વેપારી સોનુ લઈને બેંક પર પહોંચ્યો, ત્યારે શાતિર ઠગે કહ્યું કે, ‘હું લોકર રૂમમાંથી રૂપિયા લઈને હમણા જ આવું છું.’ વેપારી બહાર રાહ જોતો રહ્યો અને નકલી મેનેજર લોકર રૂમના પાછળના દરવાજેથી સોનું લઈને રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં ખબર પડી કે આ મહાઠગે માત્ર જ્વેલર્સને જ નહીં, પણ દુકાનના માલિકને અને ફર્નિચર બનાવવા વાળાને પણ ‘ફ્રોડ ચેક’ આપીને પધરાવી દીધા હતા. ઘટનાની જાણ થતાં જ દાહોદ એ-ડિવિઝન પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. આ નકલી બેંક મેનેજર ઉર્ફે મહાઠગને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
