દાહોદના ઝાલોદમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. ઝાલોદ બસ સ્ટેશનની બહાર ધોળે દહાડે એક જાણીતા વકીલ પર જીવલેણ હુમલો થતાં સમગ્ર પંથકમાં અને વકીલ આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

દાહોદના ઝાલોદના બસ સ્ટેશન પાસેથી વકીલ જ્યારે તેમની પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા, ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો. પૂર્વ આયોજિત કાવતરાની જેમ, હુમલાખોરોએ ગાળાગાળી શરૂ કરી અને બૂમો પાડી કે, ‘આજે તો તને છોડવાનો નથી!’ આટલું કહીને નરાધમોએ વકીલ પર પથ્થરો વડે તૂટી પડ્યા હતા.

જ્યારે પતિ લોહીલુહાણ થઈ રહ્યા હતા, ત્યારે તેમની પત્નીએ પોતાની જાનની પરવા કર્યા વગર વચ્ચે પડીને પતિનો જીવ બચાવ્યો હતો. હુમલા બાદ ઇજાગ્રસ્ત વકીલને તાત્કાલિક ઝાલોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ઝાલોદ વકીલ મંડળ લાલચોળ થઈ ગયું છે. મોટી સંખ્યામાં વકીલો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને કાયદો હાથમાં લેનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે આ મામલે નીતિન મહેશભાઈ વસૈયા સહિત ત્રણ ઇસમો સામે ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ ધોળે દહાડે બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે થયેલા આ હુમલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.