Connect Gujarat
ગુજરાત

ડાંગ : નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઈ

ડાંગ : નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઈ
X

ડાંગ જેવા છેવાડાના દુર્ગમ વિસ્તારમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા મથકે વધુ ક્ષમતા સાથે અત્યાધુનિક ગોડાઉનની આવશ્યકતા બાબતે ચર્ચા કરતા ડાંગ જિલ્લા કલેકટર ભાવિન પંડયાએ આકસ્મિક સંજોગોમા જિલ્લાના રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવાની બાબતમા અનિચ્છનીય વિક્ષેપ ન પડે તેની તકેદારી રાખવાની હિમાયત કરી હતી.

ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા કલેકટરએ આહવા-૭ (ઇન્દિરા કોલોની), ચિંચલી, અને બોરપાડા ખાતે નવી વાજબી ભાવની દુકાનો ખોલવા સબબ બહાર પાડવામા આવેલા જાહેરનામા અનુસાર હાથ ધરાયેલી કાર્યવાહી બાબતે સમિતિ સભ્યો સાથે પરામર્શ હાથ ધર્યો હતો. જયારે કુશ્માળ, અને ગોદડીયા ખાતેની વાજબી ભાવની દુકાનો બંધ થતા અહીના રેશનકાર્ડ ધારકોને વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે અહી બ્રાંચ એફ.પી.એ. શરૂ કરી અનાજ વિતરણ સમયસર ચાલુ રાખવા સાથે, આ મુશ્કેલીના કાયમી નિવારણ અર્થે હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી દેવાની પણ સૂચના આપી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કોરોના કાળ દરમિયાન વિનામૂલ્યે આપવામા આવતા અનાજના જથ્થા સહીત વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરતા કલેકટર ભાવિન પંડયાએ અંત્યોદય અન્ન યોજના, અને અગ્રતા ધરાવતા કુટુંબો માટેની યોજનાઓના વિતરણ અંગેની પણ ચર્ચા હાથ ધરી હતી.

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિતે એન.એફ.એસ.એ., બી.પી.એલ., એ.પી.એલ.૧, એ.પી.એલ.૨, અને અંત્યોદય યોજના હેઠળના કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના જથ્થા બાબતની ચર્ચા હાથ ધરી, જરૂરિયાત ધરાવતા કુટુંબો અનાજ મેળવવાથી વંચિત ન રહી જાય તે જોવાની તકેદારી દાખવવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય વિજય પટેલે જિલ્લાની વાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિત રીતે અન્ન પુરવઠો કાર્ડ ધારકોને પહોંચાડવામા આવી રહ્યો છે, ત્યારે કોરોના કાળ દરમિયાન પ્રજાજનોને સતત બીજા વર્ષે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ બે માસ માટે ઘઉં અને ચોખાનુ વિતરણ થઇ રહ્યુ છે, જે તેમને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી.

પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર એસોશીએસનના જિલ્લા પ્રમુખ શ્રી બાબુરાવ ગાંગુરડેએ ડાંગ જિલ્લાની દુકાનો મારફત અનાજ વિતરણ માટેની કુપનો કાઢવા જેવી બાબતે ઉદ્ભવતી ટેકનીકલ પરિસ્થિતિ બાબતે જરૂરી ચર્ચા હાથ ધરી હતી. જયારે સમિતિ સભ્ય સ્નેહલ ઠાકરેએ આહવાના જુદા જુદા ખાનગી વેપારીઓ વચ્ચે અનાજ, તેલ, ખાંડ વિગેરેના ભાવોમા રહેલા તફાવતો ઉપર અંકુશ લાવી, ગરીબ પ્રજાજનો માટે ભાવોમા એકસુત્રતા જળવાઈ રહે તે જરૂરી છે તેમ જણાવ્યુ હતું. જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા તથા નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરે પુરક વિગતો રજુ કરી જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થાનું માળખું વધુ સુદ્રઢ કરી અસરકારક સેવાઓ પહોંચાડવાની દિશામાં કાર્યરત જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોમાં સમિતિ સભ્યોના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠકની કાર્યવાહી સંભાળતા જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિક પટેલે નિયત મુદ્દાઓથી સમિતિ સભ્યોને અવગત કરાવી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

Next Story