ભારતમાંથી ક્ષયરોગને દેશવટો આપવાના ભાગરૂપે અસરકારક વ્યૂહરચના અમલમાં મૂકીને કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર રાજ્ય સરકારે ટી.બી.નાબુદી કાર્યક્રમ અમલમા મુક્યો છે, ત્યારે આ કાર્યક્રમનો સુચારૂ અમલ કરીને ડાંગ જિલ્લામાંથી પણ ક્ષયરોગોને નાબુદ કરવાની હાંકલ, ડાંગ કલેક્ટર ભાવિન પંડયાએ કરી છે.
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે તાજેતરમાં યોજાયેલી ડિસ્ટ્રિક્ટ ટી.બી. ફોરમની બેઠકને સંબોધતા કલેક્ટરે ગામેગામથી ટી.બી.ના કેસોની સક્રિય શોધ સાથે ખાનગી ક્ષેત્ર તથા લોક સમુદાયની ભાગીદારીથી ગુણવત્તાયુક્ત દવા, અને ચોક્કસ નિદાન ઉપર લક્ષ કેન્દ્રિત કરવાની હિમાયત કરી હતી. ટી.બી.ના દર્દીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ દ્વારા અપાતી પોષણ સહાય, સાથે સારવારની સેવાઓનું વિસ્તૃતિકરણ, તથા નવા દર્દીઓને તુરંત સારવાર ઉપર મૂકવાની અપીલ પણ આ વેળા કલેકટરે કરી હતી.
આગામી સમયમાં રાજયભરમાં શરૂ થવા જઇ રહેલા PMTPT પ્રોગ્રામ અંતર્ગત ‘Nikshay Portal’ ઉપર નોંધાયેલા ટી.બી.ના દર્દીઓના સંપર્કમા રહેતા કુટુંબના તમામ સભ્યોનું ટી.બી. અંગેનું નિદાન હાથ ધરવામા આવનાર છે. સાથે એઇડ્સ સહિત અનેક જોખમી લક્ષણો ધરાવતી વ્યક્તિઓમા પણ ટી.બી. અંગેનુ નિદાન કરાશે, તેમ જણાવતા કલેક્ટરે આવા નિદાન બાદ જે વ્યક્તિઓમા ટી.બી. અંગેની સંભાવનાઓ પણ જણાશે, તો તેવા વ્યક્તિઓની સારવાર શરૂ કરાશે તેમ જણાવ્યુ હતું. બેઠકની કાર્યવાહી સંભાળતા જિલ્લા ક્ષય અધિકારીએ એજન્ડા વાર લક્ષ્યાંક અને સિદ્ધિઓનુ પ્રેઝન્ટેશન રજૂ કરી, ટી.બી. રોગ નાબુદી સામેના પડકારોની વિસ્તૃત જાણકારી સાથે સૌના સહયોગથી લક્ષ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રશાસન પ્રતિબદ્ધ છે, તેમ જણાવ્યુ હતું.
