ડાંગના શ્રમજીવી પરિવારની "જયુ" નું ઢોલીવુડથી બોલીવુડ તરફનું પગરણ

New Update
ડાંગના શ્રમજીવી પરિવારની "જયુ" નું  ઢોલીવુડથી બોલીવુડ તરફનું પગરણ

ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમા સાધન સુવિધાઓના અભાવ વચ્ચે કઈ કેટલીયે પ્રતિભાઓ ધરબાયેલી પડી છે. ડાંગ સહિત ગુજરાત અને દેશને ગૌરવ અપાવનારી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ, ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતો લોન્ગ ડિસ્ટન્સ રનર મુરલી ગાવિત, ક્રિકેટમા પગ જમાવવા સંઘર્ષ કરી રહેલો યુવા ક્રિકેટર જીત ગાંગુર્ડે, રૂપેરી પરદે પદાર્પણ કરનારી એક્ટ્રેસ મોનાલીસા પટેલ, અને હવે માળગા ગામે થી "ઢોલીવુડ" થઈ "બોલિવૂડ" તરફ પ્રયાણ કરી રહેલી એક્ટ્રેસ "જયુ" હોય.

અહીં એક એક થી ચઢિયાતા પ્રતિભાશાળી યુવાનો જુદા જુદા ક્ષેત્રે તેમની ક્ષમતા પુરવાર કરી રહ્યા છે."ઢોલીવુડ" મા "જયુ"ના હુલામણા નામે કામ કરી રહેલી ડાંગની આ યુવતીએ શરૂઆત તો "ટિકટોક" થી કરી, પણ ત્યાર બાદ ગુજરાતી આલ્બમ, વેબસિરિઝ, સીરિયલ, અને ફિલ્મ તરફ તેના તકદીરે ડગ માંડતા એ દિશામા પગ જમાવવાની કોશિશ આરંભી છે. તાજેતરમા જ ગુજરાતી સહિત દક્ષિણની ફિલ્મો, અને હિન્દી સીને જગતના પ્રખ્યાત નિર્દેશક હેત રાઠોડના આલ્બમ "જખમ" માટે કામ કરી રહેલી "જયુ" એ તેના સાથી કલાકાર સમર્થ શર્મા, ક્રિષ્ના ઝાલા વિગેરે સાથે કામ કરીને તેની પ્રતિભાના દર્શન કરાવ્યા છે.

સુરતની એક હોસ્પિટલમા જોબ કરતી આ યુવતી, ગામડા ગામમા પરંપરાગત કાચા ઘરમા રહીને ઉછરી છે. તેણીના પિતા જોત્યાભાઈ ચોર્યા પાણી પૂરવઠા બોર્ડમા આછીપાતળી નોકરી કરીને માંડ બે છેડા ભેગા કરવાની મથામણ કરે છે, તો તેણીની મમ્મી રંજનબેન ઘર અને ખેતીવાડી સંભાળી તેમના બન્ને સંતાનોની દેખભાળ કરે છે. "જયુ" નો ભાઈ પરિમલ સુરત ખાતે મેકડોનાલ્ડમા જોબ કરે છે.એક્ટિંગ સાથે મોડેલિંગ, સીંગીગ, સ્વિમિંગ, અને જિમ નો શોખ ધરાવતી "જયુ" ના ઘરે હજી હમણા જ ૨૧ ઇંચનુ કલર ટી.વી. આવ્યુ છે. આમ, ખૂબ જ સામાન્ય ઘરની આ યુવતિ ધીમા પણ મક્કમ ડગલે વાયા "ઢોલીવુડ" થઈ "બૉલીવુડ" તરફ પોતાના મક્કમ મનોબળ સાથે આગેકૂચ કરી, અન્યો માટે માઇલ સ્ટોન બની રહી છે.

Latest Stories