ડાંગ : પાણી પુરવઠા યોજનાના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ, આહવા ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

ડાંગ : પાણી પુરવઠા યોજનાના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ, આહવા ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક
New Update

ડાંગ જિલ્લાનુ એક પણ ઘર “નલ સે જલ” કાર્યક્રમથી વંચિત ન રહી જાય, અને ઘરે ઘર સુધી નળ વાટે પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાના કાર્યમાં કોઈપણ જાતની ઢીલ કે, કચાશ ચલાવી નહિ લેવાય તેવો સુર વ્યક્ત કરતા ડાંગ કલેકટર એન.કે.ડામોરે પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હેઠળ ચાલી રહેલા કામોની ગુણવત્તા સાથે નિયત સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કરવાની તાકીદ કરી હતી.

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા સ્થિત કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી “નલ સે જલ” કાર્યક્રમ (ઓગમેન્ટેશન ઇન ટેપ કનેક્ટીવીટી ઇન રૂરલ એરિયા-ટ્રાયબલ) અંતર્ગત જુદી જુદી યોજનાઓની સમીક્ષા કરતા કલેકટર એન.કે.ડામોરે ભવિષ્યની વધતી જતી વસ્તી, સામાજિક સ્થિતિ, સોર્સ જેવી બાબતો ધ્યાને લઈને યોજનાઓ તૈયાર કરવાની પણ આ વેળા હિમાયત કરી હતી.

જિલ્લાની સ્કુલ અને આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સબ સેન્ટરો વિગેરેમાં 100 ટકા પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે તાલુકાવાર સુપરવિઝન સુનિશ્ચિત કરવાની પણ સુચના આપવામાં આવી હતી. પાણી સંબંધિત યોજનાઓનું રાજ્ય કક્ષાએ સી.એમ.ડેશ બોર્ડ મારફતે પણ નિયમિત રીતે મોનીટરીંગ કરાતુ હોય, આ બાબતે ખુબ જ ચોક્સાઈ અને ગંભીરતા જાળવવાની તાકીદ કરતા કલેકટરે આગામી તા. 31મી ડીસેમ્બર પહેલા તમામ કામગીરી પૂર્ણ કરવા સૂચન કર્યું હતું, ત્યારે સમગ્ર સમીક્ષા બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ પુરક વિગતો સાથે ઉપયોગી માર્ગદર્શન આપી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

સમીક્ષા બેઠકમાં કુલ અંદાજીત 9,59,27,200 રૂપિયાની જુદીજુદી 51 જેટલી યોજનાઓ મંજૂર કરવામાં આવી હતી, જ્યારે “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત એક રીવાઈઝ પેયજળ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને મંજૂર કરવા સાથે ભૌતિક પ્રગતિ હેઠળની વિવિધ 192 યોજનાઓના કામોની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. તો સાથે જ ઉપલબ્ધ સોર્સની જગ્યાએ વીજ જોડાણની કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડયા, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર ડી.બી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહ, સમિતિના સભ્યો એવા ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહી ચર્ચામાં સહભાગી થયા હતા. સમગ્ર બેઠકની કાર્યવાહી વાસ્મોના યુનિટ મેનેજર હેમંત ઢીમ્મરે સંભાળી હતી.

#Dang #collector office #CollectorDang #Nal se Jal
Here are a few more articles:
Read the Next Article