સમાજને પ્રેરણા સંદેશ આપતા મહાપુરુષોના જાહેર સ્મારકો, પ્રતિમાઓની યથોચિત ગરિમા જળવાઈ રહે, અને નવી પેઢી માટે તેઓ હમેશા પ્રેરણાસ્ત્રોત બનતા રહે તેવા શુભાશય સાથે, ડાંગ જિલ્લાના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા આહવાના જાહેર સ્મારકોની સાફસફાઈ સાથે સેવા વંદના કરવામાં આવી હતી.
સામાન્ય રીતે મહાપુરુષોની પ્રતિમાઓ, સ્મારકોને જનસામાન્ય વર્ષે એકાદ 2 વાર તેમની જયંતી કે કોઈ દિન વિશેષના દિવસે યાદ કરીને વિસરી જતા હોય છે. પછી આવા સ્મારકો, અને પ્રતિમાઓની વર્ષભર દુર્દશા થતી રહે છે. આ દયનીય પરિસ્થિતિ વચ્ચે સમાજને અને ભાવી પેઢીને હમેશા માર્ગદર્શિત કરતા આવા પ્રેરણાસ્થાનોની ગરિમા જળવાઈ રહે, સમાજના લોકોમાં મહાપુરુષોની પ્રતિમા તથા સ્મારકો પ્રત્યે આદરભાવ જળવાઈ રહે તે માટે ડાંગના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા પ્રતિમાસ પહેલી તારીખે યુવાનો તથા ભગીનીઓની ભાગીદારીથી સાફ્સફાઈ સાથે ભાવ વંદના કરવામા આવે છે.
આ ઉપક્રમના ભાગરૂપે જુન મહિનાની પહેલી તારીખે ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા સ્થિત જાહેર સ્મારકો, મહાપુરુષોની પ્રતિમાઓની સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી. તેમ કેન્દ્રના યુવા પ્રમુખ નકુલ જાદવે જણાવ્યુ હતું. કાર્યક્રમ દરમિયાન આહવાના ગાંધી ઉદ્યાન ખાતે આવેલી યુગપુરુષ પુ. ગાંધીજીની પ્રતિમા સહીત ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, એક ભારત-શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને દેશને તુમ મુઝે ખૂન દો, મે તુમ્હે આઝાદી દુંગાનો નારો આપનારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સાફસફાઈ હાથ ધરી તેમનું પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રેરણાત્મક કાર્યક્રમમા ડાંગના ધારાસભ્ય વિજય પટેલ સહીત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નીલમ ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના અનુસુચિત જાતી મોરચાના અધ્યક્ષ પ્રવીણ આહિરે, લઘુમતી મોરચા પ્રમુખ મહેન્દ્ર માસ્ટર, મીડિયા સેલના સહ કન્વીનર ઝીલ ત્રિવેદી સહિતના પદાધિકારીઓ, હોદ્દેદારો, અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.