વનપ્રદેશ એવા ડાંગ જિલ્લામાં સેવાની ધૂણી ધખાવીને બેઠેલા વાસુરણાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ દ્વારા સંસ્થાપક હેતલ દીદીના સાંનિધ્યે કીડીયારું પુરવામાં આવ્યુ હતું. જેમાં સાંજના ૫:૩૦થી ૭ વાગ્યા દરમિયાન કીડીયારું પુરવાના આ કાર્યક્રમમાં સુરત/નવસારીના જય ગોપાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સહિત જુદા જુદા દાતાઓનો સહયોગ સાંપડ્યો હતો.
વિશ્વમાં ચારેકોર કોરોનાનો હાહાકાર છે, ત્યારે એક અદ્રશ્ય વાયરસે સમગ્ર માનવજાતને તેની ઔકાત બતાવી દીધી છે. બુદ્ધિજીવી માનવીઓ લાચારી અનુભવી રહ્યા છે. કોઈ એને મહામારી કહી રહ્યુ છે, તો કોઈ એને કુદરતનો શ્રાપ ગણાવી રહ્યા છે. આવા કપરા કાળમાં ફક્ત મનુષ્ય જાતિ જ નહીં, પરંતુ આ ધરા ઉપરના તમામ નાનામોટા જીવજંતુઓને પણ પોતાનું પેટ ભરવાનો અધિકાર છે. તેવી ઉદ્દાત ભાવના સાથે વાસુરણા સહિત આસપાસના જંગલ વિસ્તારમાં ૩૦૦ કિલો બાજરીનો ભરડો, બૂરુ ખાંડ અને કોપરાનો પાવડર, ઘી, બિસ્કિટ વિગેરે જંગલના સૌથી નાના જીવ માટે ધરતીના ખોળે અર્પણ કરાયું હતું.
જીવદયાની ઉચ્ચત્તમ ભારતીય સંસ્કૃતિના જતન સંવર્ધન માટે સદાયે તૈયાર રહેતા અનામી દાતાઓના સહયોગ વડે અવારનવાર અહીં નાના મોટા સેવાકાર્યો થતા હોય છે, તેમ જણાવતા સંસ્થાપક હેતલ દીદીએ તમામ જીવોને પેટ ભરવાનો અધિકાર છે તેમ જણાવ્યુ હતું.