અંકલેશ્વર ખાતે વલસાડ-વડનગર એક્સપ્રેસને સ્ટોપેજ આપવાનો નિર્ણય કરવામાં આવતા ઉત્તર ગુજરાતના મુસાફરોને મોટી રાહત મળશે. ખાસ કરીને મહેસાણા અને વડનગર સહિતના વિસ્તારોમાંથી અંકલેશ્વર તરફ નોકરી, વ્યવસાય તેમજ અન્ય કામકાજ માટે અવરજવર કરતા મુસાફરોને હવે સીધી રેલવે કનેક્ટિવિટીનો લાભ મળશે. ટ્રેન નંબર 20959/20960 વલસાડ-વડનગર એક્સપ્રેસને અંકલેશ્વર ખાતે પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવામાં આવ્યો છે.

આ સ્ટોપેજ માટે સ્થાનિક મુસાફરોની લાંબા સમયથી માંગ હતી. અગાઉ અંકલેશ્વર જવા માટે મુસાફરોએ ભરૂચ ખાતે ઉતરી ત્યાંથી અન્ય પરિવહનના સાધનો મારફતે અંકલેશ્વર પહોંચવું પડતું હતું. ખાસ કરીને મોડી રાત્રે મુસાફરી કરતા મુસાફરોને આ પ્રક્રિયામાં સમય અને વધારાના ખર્ચ સાથે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

અંકલેશ્વર ખાતે સીધો સ્ટોપેજ મળવાથી હવે મહેસાણા-વડનગર સહિત ઉત્તર ગુજરાતના મુસાફરોને અંકલેશ્વર સુધી સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. તેનો સૌથી મોટો લાભ નોકરી અને વેપાર માટે અંકલેશ્વર તથા આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં અવરજવર કરતા મુસાફરોને થવાની શક્યતા છે.આ નિર્ણયને લઈને સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.