/connect-gujarat/media/post_banners/c173a95f318035fb1bf52e04f3c68f3fe260a932c0dde71c28aff863fd01312c.webp)
હિન્દુ મહિનામાં આવતા શ્રાવણ માસમાં શિવ આરાધનાનો અને પૂજનઅર્ચન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. શિવભક્તો ભગવાન ભોળાનાથની તન-મન-ધનથી પૂજા કરી શિવલિંગ ઉપર જલાભિષેક, પુષ્પો અર્પણ કરીને ધન્યતા અનુભવે છે. ભોળાનાથ ભક્તોને કદી નિરાશ કરતા નથી. ગુજરાતમાં અનેક જગ્યાએ સ્વયંભૂ શિવલિંગ ધરાવતા મંદિરો આવેલા છે. આવું જ એક અતિપ્રાચિન મંદિર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે મરડેશ્વર મહાદેવના નામથી ઓળખાતું મંદિર આવેલું છે. આ પૌરાણિક અને સ્વયંભૂ આઠ ફૂટની ઊંચાઈવાળું શિવલિંગ ધરાવતું મંદિર વર્ષોથી ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં એક એવી લોકવાયકા પણ છે કે આ શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે. તો આવો જાણીએ પૌરાણિક મરડેશ્વર મહાદેવના મંદિરનો 5000 વર્ષ જૂનો ઇતિહાસ
/connect-gujarat/media/post_attachments/efdb83664bfce2a05c879ba74aa7729a2912bc580cda9adc4f3091c989fcd0be.webp)
ગોધરાથી 30 કિ.મીના અંતરે આવેલું આ પ્રસિધ્ધ મંદિર પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે શિવ મંદિરોમાં ભાવિક ભક્તો પણ શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવના મંદિરનો અનોખો મહિમા છે. આ મંદિર જિલ્લાના વડામથક ગોધરાથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલું છે. વધુમાં આ મંદિર હાલોલ શામળાજી માર્ગ હાઈવેને અડીને આવેલું હોવાથી અહીં જતા-આવતા લોકો દર્શન કરવાનું ચૂકતા નથી. આ મરડેશ્વર મહાદેવના મંદિરની વિશેષતા તેનું આઠ ફૂટની ઊંચાઈ ધરાવતું શિવલિંગ છે. આ શિવલિંગ સ્વયંભૂ છે તેની પાછળ અનેક દંતકથાઓ જોડાયેલી છે.
વર્ષો પહેલા આ સ્થળ શિવપુરીનગરી તરીકે ઓળખાતું હતું દંતકથા અનુસાર પુરાતન કાળમાં અહીં આવેલી શિવપૂરી નગરી (હાલનું શહેરા)ના કેટલાક બ્રાહ્મણો ચિંતામણી પાતાળેશ્વરના શિવલિંગને મરડ માટીમાંથી બનાવી રહ્યાં હતા. તે સમયે અહીં કેટલાક ઋષિમુનિઓ પસાર થતા હતા. તેમને આ બનાવી રહેલા શિવલિંગને પાણીની અંજલિ છાંટતા એકલિંગ બન્યું જે પાછળથી મરડેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું. આ શિવલિંગ મરડ પથ્થરમાંથી બનેલું હોવાથી મરડેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.
કહેવાય છે કે રાજવી કાળમાં અહીં નજીક આવેલા લુણાવાડા સ્ટેટના મહારાજાઓ તેમજ ઉત્તર ગુજરાતના પાટણ સ્ટેટના મહારાજા પણ મરડેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા હતા. આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ અને આઠ ફૂટ જેટલું ઊંચું છે. શિવલિંગની ઉપરના ભાગે એક નાનો ખાડો છે જેમાંથી પાણીની અવિરત ધારા વર્ષોથી વહેતી રહે છે જે ચમત્કારથી કમ નથી. જેને ગંગાજળ કહેવામાં આવે છે. શ્રાવણ મહિને ભકતોનું ઘોડાપૂર ઉમટે છે માત્ર સ્થાનિક નહીં પણ અન્ય રાજ્યોના ભક્તો પણ દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનામાં અહીં ભકતોનું ઘોડાપૂર ઉમટે છે. જન્માષ્ટમીનો મેળો ભરાય છે મંદિરમાં વિવિધ યજ્ઞો થતા રહે છે. શ્રાવણની અમાસે મહાપૂજાનું આયોજન થાય છે. ભક્તો અહીં મરડેશ્વર મહાદેવના શિવલીંગને જલાભિષેક, દુધ, બિલીપત્ર, ફળ અને ફૂલ ચઢાવે છે.
શિવલિંગ મંદિરની છતને અડશે ત્યારે પૃથ્વી પ્રલય થવાની લોકવાયકા વધુમાં આ મંદિર સાથે બીજી એક લોકવાયકા જોડાયેલી છે જે અનુસાર દર વર્ષે આ શિવલિંગ ચોખાના દાણા જેટલું વધે છે અને વધતું વધતું મંદિરની છત ઉપર અડી જશે ત્યારે પૃથ્વી પર પ્રલય આવશે. જોકે આ માત્ર એક દંતકથા છે. મરડેશ્વર દાદાના દર્શન કરનારને સુખ-શાંતિ સંપત્તિ સંતાનસુખ મળે છે અને દાદા ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરે છે.