/connect-gujarat/media/post_banners/906c34c9c058ad6b5c4316e23626537dcd00baaf00bd4d1fed8072d9a6776def.webp)
ભગવાન શિવનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક ઘૃષ્ણેશ્વર મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદના દૌલતાબાદથી 11 કિ.મી. દૂર શહેરની ચહલ-પહલથી શાંત જગ્યાએ આવેલું છે. માન્યતા છે કે આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી દરેક પ્રકારના રોગ અને દુ:ખ દૂર થાય છે. અહીં નિઃસંતાન દંપતી દર્શન કરે તો સંતાનસુખ મળે છે. આ જ્યોતિર્લિંગ અંગે અનેક પ્રકારની કથાઓ પ્રચલિત છે. પૌરાણિક કથાઓ અનુસાર દક્ષિણ દિશામાં સ્થિત દેવપર્વત પર સુધર્મા નામનો વિદ્વાન બ્રાહ્મણ પોતાની ધર્મપરાયણ સુંદર પત્ની સુદેહા સાથે રહેતો હતો. બંને ભગવાન શિવના અનન્ય ભક્ત હતા. જોકે અનેક વર્ષો છતા તેમને કોઈ સંતાન ન હોવાથી અંતે સુદેહાએ તેના પતિને મનાવીને પોતાની બહેન ઘુષ્મા સાથે તેના લગ્ન કરાવ્યા. નાની બહેન ઘુષ્મા પણ અનન્ય શિવભક્ત હતી. તેને શિવકૃપાથી થોડા સમયમાં પુત્ર જન્મ્યો.
લગ્ન પહેલાં જ કોઈપણ સ્થિતિમાં બહેનની ઇર્ષ્યા નહીં કરવાનું વચન આપનારી સુદેહા માટે હવે વધુ સમય ઇર્ષ્યા કર્યા વગર રહેવું શક્ય નહોતું. જેથી થોડા સમય પછી મોકો જોઈને સુદેહાએ ઊંઘમાં સૂતેલા ઘુષ્માના પુત્રની હત્યા કરી નાખી અને તેના મૃતદેહને નજીકના તળાવમાં ફેંકી દીધો. સવાર થઈ તો ઘરમાં પુત્રની હત્યા અંગે જાણીને ઘરમાં કોહરામ મચી ગયો. જો કે, આ બધા વચ્ચે પણ ઘુષ્માએ શિવભક્તિ છોડી નહીં અને દૈનિક નિયમ પ્રમાણે તળાવના કિનારે જઈ માટીમાંથી 100 શિવલિંગ તૈયાર કરી પૂજા કરી પછી તેને પાણીમાં વિસર્જિત કરી દીધા.
/connect-gujarat/media/post_attachments/b6bbc9710f0f42ffa1ba0a08452934d3c6ee3d39911055ac27126e6071bc7919.webp)
ઘુષ્માની ભક્તિ જોઈ શિવ ખૂબ પ્રસન્ન થયા અને જેવી તે પૂજા કરીને ઊભી થઈ કે તેના મૃત પુત્રને જીવિત કરી શિવજી પ્રગટ થયા. ઘુષ્મા શિવલીલાથી હર્ષ અને ભક્તિના ભાવાવેશમાં અર્ધ બેભાન જેવી થઈ ગઈ. પરંતુ તેના પુત્રને સોંપીને જ્યારે શિવ સુદેહાનો વધ કરવા ત્રિશૂળ લઈને આગળ વધ્યા તો. ઘુષ્માએ ભોળેનાથને હાથ જોડીને પોતાની બહેનના પ્રાણના રક્ષણ માટે વિનંતી કરી. આ સાથે તેણે ભગવાન શંકર પાસે વરદાન માગ્યું કે જો શિવ તેના પર પ્રસન્ન હોય તો અહીં જ નિવાસ કરે.
· પિતા શંકર સાથે પુત્ર ગણેશ પણ બિરાજમાન
ઘૃષ્ણેશ્વર મંદિરની ખાસ વિશેષતા એ છે કે, અહીં પિતા શંકર સાથે પુત્ર ગણેશ પર બિરાજ્યા છે. દેશમાં આવેલી 21 ગણેશ પીઠો પૈકી એક લક્ષવિનાયક નામથી પ્રસિદ્ધ ગણેશ પીઠ પણ અહીં મંદિરમાં જ આવેલી છે. પુરાતત્ત્વ અને વાસ્તુકલાની દૃષ્ટિએ આ મંદિર ખૂબ મહત્ત્વનું છે. શ્રાવણ માસ અને અન્ય વાર-તહેવારના દિવસે અહીં મેળો લાગે છે. આ સમયે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે.ભક્તવત્સલ ભગવાને તરત જ તેની માગણીનો સ્વીકાર કર્યો અને 'ઘૃષ્ણેશ' નામથી જ્યોતિર્લિંગ રૂપે સ્થાપિત થયા.