એક બહુ પ્રચલિત વાર્તા છે. જૂના સમયમાં વેપારીઓ એક સ્થાનથી બીજા સ્થાને વ્યવસાય કરવા માટે જતાં ત્યારે જોખમ વધુ રહેતું. આજના સમય જેવો તો યુગ ન હતો કે જેમાં વાહન, હોટલ, કોમ્યુનિકેશન કે રેસ્ટોરાં હશે...પગે ચાલીને એક સ્થળેથી બીજા સ્થળ પર જવાનું. રસ્તામાં લૂંટફાટ નો ડર અને કોઈ કાયદા કે પોલીસ ન હતી કે રક્ષણ મળે. માર્ગમાં વટેમાર્ગુ મળે અને એ જ આસરો કે સહારો....ધર્મશાળા કે જ્યાં આસરો મળે ત્યાં રોકાવવું પડે. ખેર મૂળ વાત એક વેપારી આ જ રીતે દૂર સુધી વેપાર કરે. એકવાર તેની સાથે ચોર આવી ગયો. રસ્તામાં કંપની જોઈએ એટલે સાથે રાખ્યો. ચોર પણ મોકાની રાહ જોતો વેપારી સાથે ફરતો. વેપારી પાસે ઉઘરાણી આવે અને ચોર રાત્રે ચોરી કરવા પ્રયત્ન કરે. ચોર ગમે તેટલો વેપારીનો સામાન ફંફોસે પણ ફૂટી કોડી પણ મળે નહીં. છૂટા પડવાના દિવસે કંટાળીને ચોરે વેપારીને જ પૂછ્યું કે યાર યે રાઝ ક્યા હૈ? બહુ જાણીતી વાત છે કે વેપારીએ જવાબ આપ્યો કે મને તો પહેલેથી જ ખબર હતી કે તું ચોર છે, પણ તારી પદ્ધતિ પણ ખબર હતી. રોજ આવતો પૈસો તારા જ તકીયા નીચે મૂકીને આરામથી સૂઇ જતો. તું બધે ફાંફાં મારતો પણ તારા તકીયા નીચે જોતો જ ન હતો...યે હી હૈ દિવાળી.... અંધકાર તો બધે દેખાય છે, પણ ખુશીઓનો વૈભવ તો આપણા તકીયા નીચે જ છે. યસ, સમય તો અંધકારનો હોઇ શકે પણ વાત પ્રકાશની છે. આનંદ, ઉત્સાહ, ઉમંગ બધું જ નજર સામે છે પણ તકીયો ઉંચો કોણ કરે?....
ચાલો, પ્રયત્ન તો કરીએ... સતત સોશિયલ મિડીયાથી માંડીને વ્યવસાયમાં સતત વ્યસ્ત રહીએ છીએ. પોતાનો તકીયો ફંફોસવાનો ક્યાં સમય મળે છે? બુક્સ માટે લાઇબ્રેરી વસાવી દઇએ છીએ પણ વાંચવા માટે સમય? ઘણો સમય સોશિયલ મિડીયા લઇ લે છે, ચાલો એ નક્કી કરીએ કે આગામી વર્ષથી પાછું વાંચન તરફ વધીએ. જમાનો તો ઝડપી વધે છે, ટેકનોલોજી ઝડપભેર આપણા કરતાં આગળ નીકળી ગઇ છે પણ ત્રીસ વર્ષ જૂના મિત્રો કે સભાનતા હોય કે અભાનતામાં કરેલા પ્રેમપ્રકરણોના સંસ્મરણો જે મોજ આપે છે એ દુનિયાની કોઈ ટ્રીપ આપી ન શકે. ઉપનિષદ કહે છે આનંદમાં રહેવું એ જ તો શિવસ્વરુપ છે. હા, જૈનો તો મિચ્છામિ દુક્કડમ કરી લે છે તો આપણે ય દીવાળી એ સંબંધોના ફટાફટ ફોડી લેવા. આખરે અતિથિ કબ જાઓગેની ઓરિજિનલ ફોર્મ્યુલા તો અતિથિ કબ તુમ આઓગે જ હતી...તિથિ જોયા વગર પ્રગટ થવાનો અધિકારી એટલે અતિથિ. હા, અતિથિ હોય એટલે વાતોના વડા...હાસ્યના ફૂવારા અને જલ્સાની જિંદગી. ગાલ દુખી જાય, પેટમાં દુખે, હાર્ટ બંધ થઈ જશે કે હવે, પ્લીઝ...નો...બસ...હસાતું નથી..હસી હસીને થાકી ગયા....આંખોમાં પાણી આવી ગયું, બસ આ મીઠું પાણી આપણી આંખોમાં રોજ ઉભરાતું રહે એ જ અંધકારમાં અજવાળું છે. તકલીફો, સમસ્યાઓ કે નિંદા તો ભગવાન રામ, કૃષ્ણ, બુદ્ધ કે ગાંધી સુધી રહી છે અને એ અવિરત ચાલશે. ગાંધી સાચું જ કહેતા કે જો હું હસતો જ ન હોત તો ક્યારનો મૃત્યુ પામ્યો હોત....એની વે, તમે ન હસી શકો તો તમારા મિત્રો તમને હસાવતા રહે...એટલિસ્ટ એકાદ બે ખભા તો હોવા જોઈએ કે જ્યાં માત્ર હસી શકાય કેમ કે સોશિયલ મિડીયા આવ્યા બાદ રડવા કે રોદણાં રડવા માટે સાથીઓ મળે પણ ખી ખી ખી નું શું?
હા, સતત જીવનમાં સાથ આપતાં નાના નાના માણસોને યાદ કરવાનો ઉત્સવ છે. યાદ કરવાથી કે નાની મોટી ગીફ્ટ આપવાથી આપણે કોઇના જીવનમાં પ્રેરણા તો આપી શકીએ છીએ. નાના અથવા સામાજિક કાર્યો કરતાં લોકોને સતત બિરદાવતા રહેવું એ પણ સામાજિક કાર્ય છે. ઘણાં પ્રોત્સાહનના અભાવે સત્કાર્યો છોડી દેતાં હોય છે. કમસેકમ મને કમને વખાણ કરવામાં કોઇ નુકસાન નથી. કોઇના જીવનમાં ગાઇડ બનીએ, બે કામ કરનારાને ભેગા કરીએ અને બિરદાવતા રહીએ. ઓકે, કશો વાંધો નહીં સેલ્ફીશ બનીએ કમસેકમ આપણા તકીયા નીચે છુપાવેલી ખુશીઓ તુમ્બાડના ખજાનાની જેમ શોધી નાખીએ અને ખજાનો મળે તો કોઈ લોભ વગર આખી જિંદગી માણતા રહીએ. હા, તુમ્બાડ વિશે ભવિષ્યમાં વાત કરીશું. પણ આજે દીવાળી... ખૂશીઓ ખૂબ નાની નાની વાતોમાં જ છે. કુંતી જ્યારે મહાભારતના યુદ્ધ પૂર્વે કર્ણને મળી અને કર્ણ પાસે પાંડવો હમેશાં પાંચ જ રહેશે એ વચન લીધા પછી બહુ સરળ આશીર્વાદ આપ્યા હતાં. "અનામયં સ્વસ્તિ" સરળ શબ્દોમાં કહીએ તો મરતાં સુધી સ્વસ્થ રહેજે. તને કોઈ રોગ કે બિમારી ના આવે.....આ જમાનામાં જિંદગી બડી હોય કે લંબી....અગત્યતા સ્વસ્થતાની છે....હું પણ આપ વાચકમિત્રોને શુભેચ્છા આપું છું કે, આપ શારીરિક, માનસિક, આર્થિક, વૈચારિક તમામ સ્તરે "અનામયં સ્વસ્તિ".....સમૃદ્ધ રહો...મજાકમાં કહેવાતી વાત તમારા માટે સાચી પડે કે, જો ભગવાન પાકીટ રાખતા હોય તો એમાં તમારો ય ફોટો રાખે....હેપ્પી દિવાલી....