કેનેડાની પોલિસી અત્યાર સુધી શક્ય એટલા વિદેશી સ્ટુડન્ટને આવકાર આપવાની રહી છે. પરંતુ હવે ધીમે ધીમે પોલિસીમાં ફેરફાર થઈ રહ્યો છે. કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી હાઉસિંગની કટોકટી છે જેના કારણે હવે અહીં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યા પર અંકુશ મૂકવા વિચારણા ચાલે છે. કેનેડાના ટોચના નેતાઓનું કહેવું છે કે તેમના દેશની સિસ્ટમ ખોરવાઈ ગઈ છે અને હવે તેને ફિક્સ કરવાની જરૂર છે.
કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યું કે દેશમાં બેરોજગારી અને હાઉસિંગ કટોકટી વધી રહી છે. કેનેડામાં જે લોકો કામની શોધમાં આવે છે તેમને કામ કે રહેવા માટે મકાન મળી શકતું નથી. તેના કારણે આખી સિસ્ટમ સુધારવી જરૂરી છે. બેરોજગારી અને મકાનોની અછત વિશે ઘણા સમયથી ફરિયાદ થઈ રહી છે.
ચાલુ વર્ષના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં આ પગલાંનો અમલ થવાની શક્યતા છે. ખાસ કરીને હાઉસિંગની વધતી અછતથી કેનેડા પરેશાન છે. જોકે, કેનેડા હવે વિદેશી સ્ટુડન્ટની સંખ્યામાં કેટલો કાપ મૂકશે તે સ્પષ્ટ નથી થયું. આખા કેનેડા માટે પણ એક આંકડો નહીં હોય. દરેક પ્રોવિન્સ પોતાની જરૂરિયાત પ્રમાણે સ્ટુડન્ટની સંખ્યાને લિમિટ કરી શકે છે.
માર્ક મિલરે એમ પણ જણાવ્યું કે કેનેડામાં ઈમિગ્રન્ટની સંખ્યા વધવાના કારણે કેવી અસર થાય છે તેનો પણ અભ્યાસ કરવો પડશે. પર્મેનન્ટ અને ટેમ્પરરી બંને રેસિડન્ટની વધતી સંખ્યાની અસર જાણવી પડશે. આપણે હવે વિચારવાનું છે કે વર્કર્સની સંખ્યા વધવાના કારણે ચોક્કસ એરિયામાં કેવી અસર પડે છે.