ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર રચાયા બાદ પ્રથમ વખત ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવ્યા હતા. જણાવી દઈએ કે, આ 2 દિવસ દરમ્યાન સરકાર અને ભાજપ સંગઠનમાં બેઠકનો સિલસિલો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બીજેપી (BJP) સરકાર હવે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે. જે અંતર્ગત પોતાની ગુજરાત યાત્રામાં યાદવે આગામી ચૂંટણીને લઈને પક્ષની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપની બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આગામી થોડા જ દિવસોમાં રાજ્યમાં ચૂંટણી તારીખ અંગે જાહેરાત કરી દેવામાં આવશે. જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણી લઈને આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. બેઠકમાં પક્ષના ટોચના હોદ્દેદારો સાથે વિવિધ મુદ્દાઓને લઈને લાંબી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચૂંટણી પહેલા પ્રવર્તમાન યોજનાઓથી ગુજરાતની પ્રજાને મળતા સરકારી લાભ અને પ્રજાની આગામી સમયમાં સરકાર પાસેથી આશા અપેક્ષાના મુદ્દે પણ વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.
સાથે જ આગેવાનોને પોત પોતાના મત વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા કરવામાં આવેલ કામોને પ્રજા સુધી પહોંચાડવા અને પ્રજાને માહિતગાર કરવા અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ભાજપના મુખ્યાલય કમલમ, ગાંધીનગર ખાતે પણ ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક કરી હતી. આ બેઠકમાં યાદવે વિધાનસભા ચૂંટણીને લઈને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મીડિયા વિભાગ, વિવિધ સેલ, મોરચા અને સોશિયલ મીડિયા વિભાગ સાથે પણ સંવાદ કર્યો હતો, અને તમામને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.
