IITE ગાંધીનગરનો ઐતિહાસિક નિર્ણય

NEP 2020 અંતર્ગત શરૂ થઈ સાત નવી યુનિવર્સિટી સ્કૂલ

ગુજરાત સરકારની રૂ.12.7 કરોડની આર્થિક સહાય

સરકારની આર્થિક સહાયથી સ્થપાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી

સરકારી પહેલથી મળશે AIનું વિશેષ પ્રશિક્ષણ

ગુજરાતની અગ્રણી શિક્ષણ સંસ્થા, IITE ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સાત નવી યુનિવર્સિટી સ્કૂલ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારની રૂપિયા 12.7 કરોડની આર્થિક સહાયથી સ્થાપિત ‘સ્કૂલ ઓફ ટેકનોલોજી’માં હવે ભાવી શિક્ષકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવશે.

ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE)નો શૈક્ષણિક વ્યાપ વધારવા માટે સાત નવી સ્કૂલ્સ કાર્યરત કરવામાં આવી છે. નવી શૈક્ષણિક નીતિના આધારે શરૂ કરાયેલા આ કેમ્પસમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ ‘સ્કૂલ ઓફ ટેકનોલોજી’ ઊભી કરાઈ છે, જે ડિજિટલ યુગના પડકારોને પહોંચી વળવા માટે શિક્ષકોને AI તકનીકના ઉપયોગથી સજ્જ કરશે.

આ સંસ્થામાં પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાને આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ સાથે સાંકળવામાં આવી છે. અહીં તાલીમાર્થીઓ માટે માઇક્રો ટીચિંગ સહિતના વિવિધ વ્યાવહારિક અને પ્રાયોગિક અભ્યાસક્રમો ગોઠવવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓમાં શિક્ષણ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારે છે. સમગ્ર દેશમાં IITE એકમાત્ર એવી સંસ્થા છે, જ્યાં B.Sc.-B.Ed. અને M.Sc.-M.Ed. જેવા સંકલિત (Integrated) અભ્યાસક્રમો વૈશ્વિક માપદંડો અનુસાર ચલાવવામાં આવે છે.

બહુવિધ વિષયોના જ્ઞાન, અદ્યતન ટેકનોલોજી અને મૂલ્ય આધારિત શિક્ષણના સમન્વયથી ગુજરાત પોતાની સમગ્ર શૈક્ષણિક પ્રણાલીને વધુ મજબૂત અને ભવિષ્યલક્ષી બનાવી રહ્યું છે. આ સકારાત્મક બદલાવ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવા સક્ષમ શિક્ષકોની એક નવી પેઢી તૈયાર કરશે.