અંકલેશ્વર GIDC પોલીસે વર્ષ 2016માં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા દશ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. 9 નવેમ્બર 2016ના રોજ વાલિયા ચોકડી ઓવરબ્રિજ નજીક સુરત તરફ જવાના સર્વિસ રોડ પર ટ્રકના કંડક્ટર તરીકે નોકરી કરતો મૂળપુરી ભીમપુરી ગૌસ્વામીએ ટ્રકમાં ડીઝલ માટે રાખવામાં આવેલા ₹41 હજારની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે 10 નવેમ્બર 2016ના રોજ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 381 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનાની તપાસ દરમિયાન આરોપી સતત નાસતો ફરતો હોવાથી તેની સામે CrPC કલમ 70 હેઠળ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર સી. એફ. ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ કુબેરસિંહ અને રવિરાજસિંહ બનેસંગભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે મૂળપુરી ભીમપુરી ગૌસ્વામી (ઉંમર 38), રહેવાસી મેહારાણીયા કી ઘાણી, લુખુ, તાલુકો ગુડામાલાણી, જિલ્લો બાડમેર (રાજસ્થાન)ને 18 જુલાઈ 2026ના રોજ સવારે 11:30 કલાકે ઝડપી લેવામાં આવ્યો હતો.પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
