પારડી તાલુકાના સાંઢપોર પ્રાથમિક શાળાની ઘટના

શિક્ષિકા સામે વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો

વાલીઓ દ્વારા શિક્ષિકા સામે કરવામાં આવ્યો આક્ષેપ

વાલીઓએ પ્રાથમિક શાળામાં ભારે હોબાળો મચાવ્યો

શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સાંઢપોર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ બાળકોને માર માર્યો હોવાના આક્ષેપ સાથે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સાંઢપોર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા પર વિદ્યાર્થીઓને લાકડીથી માર મારવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતા જ વાલીઓ શાળાએ પહોંચ્યા હતા, અને મામલો ગરમાતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યો હતો.

પોલીસે વાલીઓ, સરપંચ અને આચાર્ય સાથે વાત કરી મામલો હાલ શાંત પાડ્યો હતો. વાલીઓએ જણાવ્યુ હતું કે, શિક્ષિકા ભારતીબેને કેટલાક વિદ્યાર્થીઓને લાકડીથી પીઠ અને પગ સહિત શરીરના ભાગોમાં માર માર્યો હતો. સમગ્ર મામલે વાલીઓએ શિક્ષિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. જોકે, આ મામલે શિક્ષકાએ મીડિયા સામે કશું બોલવાનો ઇનકાર કર્યો હતો. હાલ શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા આ મામલે તપાસ ચાલી રહી છે. તપાસ પછી જ સાચી હકીકત સામે આવશે.