સુરતીઓનો પ્રિય તહેવાર એટલે ચંદી પડવાનો પર્વ

સુવર્ણ વરખવાળી ગોલ્ડ ઘારીનો મીઠાઈ પ્રેમીઓમાં ક્રેઝ

સોનાના ભાવની અસર પ્રખ્યાત ઘારી પર જોવા મળી

ગોલ્ડ ઘારીમાં અધધધ 5 હજાર રૂપિયાનો ઉછાળો આવ્યો

ચંદી પડવો માટે ઘારી ખરીદવા લોકોનું એડવાન્સ બુકિંગ

સુરતની પ્રખ્યાત ‘ગોલ્ડ ઘારી’ના ભાવમાં આ વર્ષે સીધો 5 હજાર રૂપિયાનો વધારો ઝીંકાયો છે. રૂ. 21 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાતી સુવર્ણ વરખવાળી ઘારીનો મીઠાઈ પ્રેમીઓમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

સુરતીઓનો પ્રિય તહેવાર એટલે ચંદી પડવો, આ તહેવારમાં ઘારી અને ભૂસાની લોકો મોજ માણે છે. પરંતુ આ વર્ષે સોનાના આસમાને પહોંચેલા ભાવની સીધી અસર સુરતની પ્રખ્યાત ‘ગોલ્ડ ઘારી’ પર જોવા મળી રહી છે. ચંદી પડવાના દિવસે સુરતમાં ઘારી ખાવાનું એક વિશેષ મહત્વ અને પરંપરા છે. જોકે, સામાન્ય દિવસોમાં પણ ગોલ્ડ ઘારીની માગ રહેતી જ હોય છે, પરંતુ ચંદી પડવાના નિમિત્તે તે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.

લોકો પોતાના પરિવાર અને ખાસ મહેમાનો માટે આ સ્પેશિયલ ઘારીની ખરીદી કરે છે. આ વર્ષે ગોલ્ડ ઘારીના ભાવમાં સીધો રૂ. 5 હજારનો અધધ વધારો ઝીંકાયો છે. ગત વર્ષે જે ગોલ્ડ ઘારી 16 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી, તે આ વર્ષે 21 હાજરાના ભાવે વેચાઈ રહી છે. તેમ છતાં મીઠાઈ પ્રેમીઓમાં આ સુવર્ણ વરખવાળી ઘારીનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

તહેવારને લઈને દેશ-વિદેશમાં ડિમાન્ડ અને લોકો એડવાન્સમાં બુકિંગ કરાવતાં જોરદાર માગ જોવા મળી રહી છે. આ ઘારીને ખાસ શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે. તેમાં તૈયાર થતા માવાની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળા ડ્રાયફ્રુટ્સ અને ખાસ મસાલા ઉમેરવામાં આવે છે.

કેસર ઘારીમાં અસલ કેસર, પિસ્તા, બદામ વગેરેનો ઉપયોગ થાય છે, જે આ ઘારીને અલગ અલગ ફ્લેવર સાથે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક બનાવે છે. માત્ર સુરત કે, ગુજરાત પૂરતી જ નહીં, પરંતુ ગોલ્ડ ઘારીની માગ અન્ય રાજ્યો અને વિદેશોમાં પણ છે. ઓનલાઈન માધ્યમથી પણ લોકો દૂર દૂરથી ગોલ્ડ ઘારી મંગાવી રહ્યા છે.