સ્વ. અહમદ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તથા તેમના માનવતાવાદી વિચારો અને સમાજસેવાના વારસાને આગળ વધારવાના હેતુથી રમતગમત અને આરોગ્ય સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત પબ્લિક સ્કૂલ ખરોડ, અંકલેશ્વર ખાતે આગામી તારીખ 25 અને 26 નવેમ્બર,2026ના રોજ ‘અહમદ પટેલ મેમોરિયલ ફૂટબોલ એન્ડ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ’ યોજાશે. આ ટુર્નામેન્ટમાં ફૂટબોલ (બોયઝ અંડર-19) અને બાસ્કેટબોલ (ગર્લ્સ અંડર-17)ની સ્પર્ધાઓ રમાશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા શિક્ષણવિદ્ અને રમતગમતપ્રેમી બોમી બી.કાવિના ઉપસ્થિત રહેશે. ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ 25 નવેમ્બરે સવારે 8:30 કલાકે અને સમાપન સમારોહ 26 નવેમ્બરે સાંજે 4:30 કલાકે યોજાશે.
આ ઉપરાંત તારીખ 25 નવેમ્બર,2026ના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા દરમિયાન વાલિયા સ્થિત તક્ષશિલા નર્સિંગ કોલેજ કેમ્પસ ખાતે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વર દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં ઓર્થોપેડિક નિષ્ણાતની સલાહ, સામાન્ય આરોગ્ય તપાસ અને તબીબી પરામર્શ, BMD ટેસ્ટ, બ્લડ પ્રેશર તપાસ, ECG તથા RBS દ્વારા ડાયાબિટીસની તપાસ સહિતની સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે.
યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સાથે ગ્રામ્ય અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ્યથી આ બંને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રમતગમત દ્વારા યુવા પ્રતિભાને પ્રોત્સાહન અને આરોગ્ય સેવા દ્વારા માનવતાનું સંવર્ધન સ્વ. અહમદ પટેલની અમર સ્મૃતિને સાચી શ્રદ્ધાંજલિ એ સૂત્ર સાથે પબ્લિક સ્કૂલ ખરોડના મેનેજમેન્ટ, આચાર્ય અને સ્ટાફ દ્વારા ખેલાડીઓ, કોચ, શિક્ષકો, વાલીઓ તથા રમતપ્રેમીઓને ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહેવા તેમજ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્થાનિક નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લેવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.
