ગુજરાત ATSએ આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. ATS ટીમે પ્રતિબંધિત આતંકી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે સંકળાયેલા 5 શંકાસ્પદ આતંકીની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરી છે. કડી કોર્ટે પાંચેય આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

ગુજરાત ATS દ્વારા અગાઉ આતંકી સંગઠન સાથે સંકળાયેલા 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. આ આઠેય આરોપીની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ અન્ય 5 શંકાસ્પદ લોકોના નામ અને મહત્વની કડીઓ પોલીસના હાથે લાગી હતી. આ ચોક્કસ ઈનપુટ્સના આધારે પોલીસે સિદ્ધપુરમાં દરોડા પાડી પાંચેય શખ્સને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી બોમ્બ બનાવવાનું અત્યંત જોખમી સાહિત્ય અને સામગ્રીને પોલીસે જપ્ત કરી છે. આ પાંચેય આરોપીઓ પ્રતિબંધિત આતંકી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે સંકળાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી હતી. આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાએ આ સામગ્રીની મદદથી ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જોકે, તે નિષ્ફળ રહ્યો હતો. આરોપીઓએ આ વિસ્ફોટક સામગ્રી બિલાલ આબિદ શેખ નામના અન્ય શખ્સને પહોંચાડી હતી.

ધરપકડ કરાયેલા પાંચેય આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ પી.આર.દંતાણીએ ધારદાર દલીલો કરી હતી. સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ કુલ 13 મહત્વના મુદ્દાઓ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે આતંકી પ્રવૃત્તિઓ અને અન્ય સંડોવાયેલા લોકો અંગેની તપાસનો સમાવેશ થાય છે. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કડી કોર્ટે તમામ 5 આરોપીના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે હાલ તો આ આતંકી નેટવર્ક સાથે અન્ય ક્યા સ્થાનિક લોકો જોડાયેલા છે, અને તેમનું આગામી લક્ષ્ય શું છે, તે દિશામાં તપાસ વધુ તેજ કરવામાં આવી છે.