ગુજરાતમાં કોરોના, મ્યુકરમાઇસીસની મહામારી વચ્ચે વાવાઝોડાનો ખતરો તોળાઇ રહયો છે. લક્ષદ્રીપ પાસે સર્જાયેલું હવાનું દબાણ થોડા જ કલાકોમાં વાવાઝોડામાં પરિવર્તિત થઇ જશે. મ્યાનમારે આ વાવાઝોડાને ટૌકતે નામ આપ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે. જેના કારણે કેરળ, મહારાષ્ટ્ અને ગુજરાતના કાંઠા વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠે ભારે વરસાદ વરસી શકે છે. દરિયો તોફાની બનવાની શકયતાને જોતા માછીમારી કરવા ગયેલી તમામ બોટોને કિનારાઓ પર પરત બોલાવી લેવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયાકાંઠા પર મોટી સંખ્યામાં બોટો લાંગરેલી જોવા મળી રહી છે.
https://ddgmui.imd.gov.in/dwr_img/GIS/cyclone.html
વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 16 થી 18 મે દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ પડશે. વાવાઝોડું 18મીએ સવારે ભાવનગર અને પોરબંદર વચ્ચે ત્રાટકશે એવી સંભાવના છે. ગુજરાત સરકારે કાંઠાના વિસ્તારના જિલ્લા કલેક્ટરોને જરૂરી પગલાં સાથેનો એક્શન પ્લાન તૈયાર રાખવા જણાવી દેવામાં આવ્યું છે.
વાવાઝોડાની ટક્કર સાથે 150થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા ભારે વરસાદ પડી શકે છે.એનડીઆરએફની 53 ટીમને એલર્ટ કરી દેવાઈ છે. આ ટીમ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતમાં તહેનાત કરાશે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં જંબુસર, વાગરા અને હાંસોટ તાલુકા મળી કુલ 121 કીમીનો વિસ્તાર દરિયાકિનારે આવેલો છે. તકેદારીના ભાગરૂપે કાંઠા વિસ્તારના 30થી વધારે ગામોના લોકોને સાબદા રહેવા સુચના આપી દેવામાં આવી છે. માછીમારોને દરિયામાં માછીમારી કરવા નહિ જવા પણ તાકીદ કરવામાં આવી છે.