અરબી સમુદ્રમાં સર્જાયેલું તૌકતે વાવાઝોડુ વિનાશક સ્વરૂપ ધારણ કરી રહયું છે. વાવાઝોડુ આજે સોમવારના રોજ રાત્રિના સમયે ઉનાના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડાના કારણે પવનની ગતિ 175 કીમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. વાવાઝોડાના પગલે દરિયો અત્યારથી તોફાની બની ગયો છે તો બીજી તરફ વાવાઝોડા સામે ટકકર લેવા સરકાર પણ તૈયારીઓમાં જોતરાઇ છે.
રાજ્યમાં તૌકતે વાવાઝોડાંને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા 1383 પાવર બેક, 161 ICU એમ્બ્યૂલન્સને સ્ટેન્ડ બાય રખાઈ છે જ્યારે 576 જેટલી 108 એમ્બ્યૂલન્સોને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. ઓક્સિજનની અછત ન વર્તાઈ તે માટે ઓક્સિજન સપ્લાય માટે 34 ગ્રીન કોરીડોર તૈયાર કરવામાં આવ્યો છે તેમજ 456 ડિ-વોટરીંગ પંપ તૈયાર કરાયા છે.
મહત્વનું છે કે તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 17 જિલ્લાના 655 ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તંત્ર દ્વારા અત્યાર સુધી 1 લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે,વાવાઝોડાંને પહોંચી વળવા NDRF અને SDRF ટીમો તૈયાર કરવામાં આવી છે, NDRFની 44 ટીમ, SDRFની 10 ટીમ હાલ ખડેપગે છે, તો ફોરેસ્ટની 240, માર્ગ મકાન વિભાગની 242 ટીમ તૈનાત કરવામાં આવી છે. વીજ પુરવઠો ના ખોરવાય તે માટે 661 ટીમ ખડેપગે રહેનાર છે, આરોગ્યની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની 388 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ તરફ મહેસુલ વિભાગના 319 ટીમ અને અધિકારીઓને ત્વરિત પગલાં ભરવા માટે ડિપ્લોય કરી દેવામાં આવ્યા છે
ગુજરાતમાં પણ ધીમે ધીમે તૌકતે વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, મહત્વનું છે કે તૌકતે વાવાઝોડાંની અસરના ભાગ રૂપે કેટલાક જિલ્લાના વાવાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે ગઈ કાલથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, રાજ્યના 21 જિલ્લાના 84 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, 6 તાલુકામાં તો એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે, સંભવિત વાવાઝોડાંને અસરના ભાગ રૂપે આગામી 2 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે એવુ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. વેરાવળ-જાફરાબાદ બંદર પર 10, ધોધા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
વેરાવળ અને અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર મોજા ઉછળી રહ્યા છે ઉપરાંત જાફરાબાદ,શિયાલબેટ,પીપાવાવ, સરકેશ્વર, ધારબંદર વિસ્તારમાં અતિભારે પવન શરૂ થયો છે. ધીમીધારે વરસાદનું પણ દરિયાકાંઠે આગમન જોવા મળી રહ્યું છે. સાથે તંત્ર દ્વારા 4 નંબરનું સિગ્નલ હટાવી આજે સીધું જ 10 નંબર સિંગલ લગાવી દેવાયું છે અને એલર્ટ જાહેર કરી દેવાયું છે. દરિયાકાંઠે લોકોને નહીં જવા આદેશ કરવામાં આવ્યો છે.