ગુજરાતમાં કોરોના અને મ્યુકોરમાઇસીસની બિમારી બાદ હવે વધુ એક કુદરતી ખતરો મંડરાય રહયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 14 મેની સવારે સાઉથ-ઈસ્ટ અરબી સમુદ્રમાં એક લૉ પ્રેસર વિકસિત થશે. જે 16 મેએ વાવાઝોડાંમાં રૂપાંતરિત થશે. મ્યાંમારે આ વાવાઝોડાંને 'ટાઉટે' નામ આપ્યું છે. જેનો અર્થ ગેકો એટલે કે, અવાજ કરનારી ગરોળી થાય છે. આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની શક્યતા છે.
સંભવિત વાવાઝોડાના પગલે કચ્છ, સૌરાષ્ટ્રના સમુદ્ર વિસ્તારોમાં ચક્રવાત અંગે કોસ્ટગાર્ડે ચેતવણી આપી છે. કોસ્ટગાર્ડ તેના જહાજો અને હેલિકોપ્ટરોનો ઉપયોગ કરી કાંઠા વિસ્તારમાં રહેતાં લોકો તેમજ માછીમારોને વાવાઝોડા અંગે જાણકારી આપી રહયું છે. તારીખ 16મીએ લો પ્રેસર સાયકલોનમાં પરિવર્તિત થઈ અને 19મીએ સવારે દ્વારકા અને પોરબંદર વચ્ચે દરિયા કિનારે ટકરાશે.વાવાઝોડાની અસરથી વધુ કોઈ નુકશાન ના થાય તેના માટે રાજ્ય સરકાર પણ સજ્જ થઇ છે. ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે
જો ટાઉટે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકે તો વેરાવળ પોરબંદર જામનગર કચ્છ અને મોરબીની આસપાસ સૌથી વધારે અસર કરશે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ અસર કરશે અને અહીં 35 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 19મી મેં ના રોજ આ વાવાઝોડું સોરાષ્ટ્ર અને કચ્છ ઉપર ત્રાટકે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું ઓમાનનો દરિયો ઓળંગી શકે છે. એક અનુમાન એવું પણ છે કે તે દક્ષિણ પાકિસ્તાન તરફ પણ આગળ વધી શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ જ તેની દિશા અંગે કંઇક કહી શકાશે. 14 મીએ લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, તામિલનાડું, કર્ણાટક ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.