યુએઈના ભારત સ્થિત રાજદૂત ડૉ. અબ્દુલનાસર અલશાલીએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ બેઠકની ચર્ચાઓ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ૧૫મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુ.એ.ઈ ના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલનાહયાન વચ્ચેની બેઠકનો ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, આ બેઠકમાં ગિફ્ટસિટીમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરીટીની ઓફિસ સ્થાપવા અંગે ફળદાયી પરામર્શ થયો હતો. આના પરિણામે યુ.એ.ઈ માટે ભારતમાં રોકાણોની તક વધુ સરળ બનશે એમ તેમણે ઉમેર્યું હતું. ગિફ્ટસિટી ખાતે વર્લ્ડક્લાસ ફિનટેક હબ ડેવલપ થઈ રહ્યું છે તે ફિનટેક સ્ટાર્ટઅપને ગ્લોબલ એક્સ્પાન્શન અને કેપીટલ ફંડીંગ માટે પ્લેટફોર્મ બનશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.