Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ઓપરેશન કર્યા વિના દર્દીને “ટાટા બાય બાય” કરી દેવાતા હોસ્પિટલ વિરુદ્ધ પરિવારજનોમાં રોષ..!

X

બજરંગદાસ બાપા હોસ્પિટલ વિરુદ્ધ દર્દીના સગામાં રોષ

ઓપરેશન કર્યું નહીં હોવાનો દર્દીના સગા દ્વારા આક્ષેપ

હોસ્પિટલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે : આરોગ્ય અધિકારી

મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના પાનવાડી ખાતે આવેલા બજરંગદાસ બાપા હોસ્પિટલ ખાતે હરેશ સેલસા નામના વ્યક્તિ મણકાની તકલીફને લઈને સારવાર માટે આવ્યા હતા. તેમને હોસ્પિટલ દ્વારા દાખલ કરવામાં આવ્યા, અને 2 દિવસ બાદ તેમને રવાના કરી દેવામાં આવ્યા હતા. જોકે, તેમનું ઓપરેશન કરવામાં આવ્યું નહીં અને તબીબોએ તેનું કોઈ કારણ રજૂ કર્યું ન હોવાનો દર્દીના સગાએ આક્ષેપ કર્યો છે.

જોકે, દર્દી હરેશ સેલસા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામના રહેવાસી છે. પરંતુ મણકાની તકલીફ હોવાથી તેઓ ઓપરેશન કરાવવા માટે ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલ ખાતે આવ્યા હતા. તબીબોને વારંવાર જાણ કરવા છતાં પણ ઓપરેશન કરવામાં નહીં આવતા 2 દિવસ બાદ ત્યાંથી તેમને રજા આપી દેવામાં આવી હતી, ત્યારે હોસ્પિટલના સત્તાવાળા સામે પરિવારજનોએ બેદરકારીનો આક્ષેપ કર્યો છે.

તો બીજી તરફ, ભાવનગરમાં 16થી 17 જેટલી ખાનગી હોસ્પિટલોને આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ મંજૂરી મળી છે, તે પૈકી બજરંગદાસ બાપા હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. બજરંગદાસ બાપા હોસ્પિટલના તબીબોએ ઓપરેશન કર્યું નહીં આથી દર્દી સારવાર અર્થે HCG હોસ્પિટલ ગયા હતા. પરંતુ સમગ્ર ઘટનાનો ચિતાર જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ મુકતા આગામી દિવસોમાં બજરંગદાસ બાપા હોસ્પિટલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


Next Story