Connect Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ગુજરાત ફાયર સેફ્ટી કોપ” ઇ-પોર્ટલ કર્યું લૉન્ચ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ગુજરાત ફાયર સેફ્ટી કોપ” ઇ-પોર્ટલ કર્યું લૉન્ચ
X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદ્રઢ અને ટ્રાન્સપેરન્ટ-પારદર્શી બનાવવાના હેતુસર “ગુજરાત ફાયર સેફ્ટી કોપ” ઇ-પોર્ટલ લૉન્ચ કર્યું છે.

મુખ્યમંત્રીએ પ્રિ-વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજીત ‘લિવેબલ સિટીઝ ઑફ ટુમોરો’ કોન્ફરન્સમાં તાજેતરમાં આ પોર્ટલ લૉન્ચ કર્યું હતું.

આગ સામે પ્રમાણમાં વધારે જોખમી હોય તેવી ઈમારતો, બહુમાળી મકાનો, હોસ્પિટલ્સ, હૉટેલ કે શૉપિંગ મોલ્સ, સ્કૂલ-કોલેજ બિલ્ડિંગ વગેરેની ફાયર સેફ્ટી સુવિધાઓ વિશે લોકોને સુપેરે જાણકારી મળી રહે તેવો ઇઝ ઑફ લિવિંગ વૃદ્ધિનો અભિગમ આ પોર્ટલ કાર્યરત કરવા પાછળ રાખવામાં આવેલો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઇ-પોર્ટલ બનાવવા માટે જનભાગીદારી વ્યૂહ અપનાવીને ફાયર રેગુલેશનના મુસદ્દા અંગે જાહેર વાંધા-સૂચનો મંગાવી તેનો હાઇ લેવલ ટેકનિકલ કમિટી દ્વારા અભ્યાસ કરીને જરૂરી સુધારા વધારા સાથે ફાયર નિયમો બનાવીને સરકારની મંજૂરી આપી છે. એટલું જ નહીં, આગ સામે પ્રમાણ વધારે જોખમી એવી ઈમારતોની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને તેની રિન્યૂઅલ પ્રક્રિયા પારદર્શી બનાવવા સમગ્ર રાજ્ય માટે એક સર્વગ્રાહી અને યૂઝર ફ્રેન્ડલી સોફ્ટવેર બનાવીને મોબાઇલ એપની સુવિધા પણ આપવામાં આવી છે.

કોઈ પણ બિલ્ડિંગના ડિઝાઈન લેવલથી શરૂ થઈને બિલ્ડિંગનો ઉપયોગ શરૂ થાય ત્યાં સુધીમાં જુદા-જુદા સ્તરે ફાયર સેફ્ટીની મંજૂરીઓમાં ડિઝાઇન, બાંધકામ અને ઉપયોગ એમ ત્રિસ્તરીય મંજુરીઓ સ્થાનિક ફાયર અને ઇમરજન્સી સર્વિસના અધિકારીઓ દ્વારા અપાતી હોય છે.

આ સમગ્ર પ્રક્રિયા હવે ફાયર સેફ્ટી કોમ્પલાયન્‍સ પોર્ટલ વેબસાઇટ https://gujfiresafetycop.in અને મોબાઇલ એપ દ્વારા વધુ સરળ બની છે.

Next Story