Connect Gujarat
ગુજરાત

શહીદ વીર મહિપાલસિંહ વાળાના પરિવારને 1 કરોડનો ચેક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અર્પણ કર્યા

શહીદ વીર મહિપાલસિંહ વાળાના પરિવારને 1 કરોડનો ચેક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અર્પણ કર્યા
X

રાજ્યના યશસ્વી તથા નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વીર શહીદ મહિપાલસિંહ વાળાના પરિવારજનોને રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શહીદ વીરના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને જઈને આ ચેક તેમના પરિજનોને આપ્યો હતો. શહીદના પરિવારજનોની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી અને વીર શહીદ મહિપાલસિંહ વાળાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા-સુમન પાઠવ્યાં હતાં તેમજ શહીદ વીરની એક મહિનાની દીકરીને રમાડીને વહાલ કર્યું હતું. શહીદ વીરના પરિવારજનોને કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય અને સૈન્ય તરફથી આશરે રૂ. બે કરોડ ૭૫ લાખની સહાય પ્રાપ્ત થશે.

મુખ્યમંત્રીની સાથે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બાબુસિંહ જાદવ, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી,અધિક મુખ્ય સચિવ મૂકેશ પુરી, કર્નલ ક્રિષ્નદીપસિંહ જેઠવા, ગૃહ સચિવ નિપૂર્ણા તોરવણે તેમજ કારડીયા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ગુજરાત રાહત ફંડમાંથી રૂપિયા એક કરોડ શહીદ વીરનાં પત્નીને સહાય પેટે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત શહીદ જવાનના બાળકને તે પચ્ચીસ વર્ષના થાય અને શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી દર મહિને રૂ. ૫૦૦૦ની સહાય ચૂકવાશે તથા શહીદ વીરનાં પત્ની અને માતા, બન્નેને દર મહિને રૂપિયા ૫૦૦૦-૫૦૦૦ની માસિક સહાય ચૂકવવામાં આવશે.

સામાન્ય રીતે સેનામાં દરેક જવાન 19 વર્ષના કાર્યકાળ બાદ નિવૃત્ત થતા હોય છે, વીર મહિપાલસિંહ સાત વર્ષની ફરજ બાદ શહીદ થયા છે ત્યારે તેમના પરિવારજનોને આગામી ૧૨ વર્ષ સુધી તેમના પગાર-ભથ્થા અને ઇજાફા સહિતના તમામ લાભ કેન્દ્ર સરકાર તથા સૈન્ય દ્વારા અપાશે. આ ઉપરાંત શહીદ વીર મહિપાલસિંહના પરિજનોને કેન્દ્ર સરકાર તરફથી રૂ. ૩૫ લાખ, જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી રૂ. ૨૫ લાખ, ડીએસપી એકાઉન્ટ હોલ્ડર તરીકે એસબીઆઈ તરફથી ઇન્શ્યોરન્સના રૂ. ૫૦ લાખ, એજીઆઈ ઇન્શ્યોરન્સ કવરના રૂ. ૪૦ લાખ, વિશેષ ફેમિલી પેન્શન હેઠળ દર મહિને રૂ. ૪૦ હજાર, આર્મ્સ્ડ ફોર્સીસ બેટલ કેઝ્યુઅલ્ટિ વેલફેર ફંડમાંથી રૂ. આઠ લાખ તથા અન્ય સહાય મળીને અંદાજે રૂ. બે કરોડ ૭૫ લાખની સહાય પ્રાપ્ત થશે.

Next Story