/connect-gujarat/media/post_banners/af3fe1e4e7e4bbfce537c0b09f575fd1586bfb337b393567c58836f5ea625312.jpg)
આપ જે ભયંકર વાયુ પ્રદુષણના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકાની કમ્પોઝ યાર્ડના છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીં શહેરભરનો લાખો ટન ઘન કચરો ઠાલવવામાં આવી રહ્યો છે, જ્યાં ઘન કચરાના પહાડો સર્જાયા છે, અને આ ઘન કચરામાંથી ભયંકર પ્રદુષણ ઉદભવી રહ્યું છે. પાલિકાની કમ્પોઝ યાર્ડ આસપાસ 250થી વધુ ખેડૂત પરિવાર વસવાટ કરે છે, જેના આરોગ્ય તેમજ ખેતી પર સતત પ્રદુષણનું જોખમ તોળાઈ રહ્યું છે. છેલ્લા થોડા સમયથી અહીં ઘન કચરાના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે, અહીં ઠલવાતા જૈવિક કચરા તેમજ પ્લાસ્ટિકને સળગાવી નિકાલ કરવામાં આવતા ભયંકર ધુમાડો ઉત્પન્ન થઈ રહ્યો છે. તેમજ ઘન કચરાના ટ્રોમિલ મશીન દ્વારા થતાં નિકાલથી ડસ્ટિંગ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ પ્રદુષણ મુદ્દે અવારનવાર પાલિકાના ચીફ ઓફિસર સહિત જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. ઘન કચરાના નિકાલની કામગીરીમાં એજન્સી દ્વારા બેદરકારી રાખી બાયોવેસ્ટ સહિત પ્લાસ્ટિકનો કચરો સળગાવતો હોવાથી ભયંકર ધુમાડો ઊડતો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે.