Connect Gujarat
ગુજરાત

મનુષ્ય ગૌરવ દિન: 'ભક્તિ ઇઝ એ સોશિયલ ફોર્સ' જેવુ સૂત્ર આપીને આધ્યાત્મના નવા આયામને વિશ્વ સમક્ષ મૂકનાર "પૂ.દાદા"ની આજે જન્મ જયંતિ

મનુષ્ય ગૌરવ દિન: ભક્તિ ઇઝ એ સોશિયલ ફોર્સ જેવુ સૂત્ર આપીને આધ્યાત્મના નવા આયામને વિશ્વ સમક્ષ મૂકનાર પૂ.દાદાની આજે જન્મ જયંતિ
X

તત્વજ્ઞાન' પુસ્તકોની કાળી શાહી પુરતુ સીમિતના રહે અને તે લોકોના જીવનનો હિસ્સો બને તે માટે ભક્તિ ફેરી, ભાવફેરી, પતંજલી ચિકિત્સાલય, યોગેશ્વર કૃષિ જેવા અનેક પ્રયોગોની હારમાળા સર્જીને મનુષ્યને સાચા અર્થમાં ગૌરવ અપાવનાર 'એક્ટિવિસ્ટ ફિલોસોફર' પ.પૂ.પાંડુરંગ શાસ્ત્રીજી એટલે કે પૂ.દાદાની જન્મ શતાબ્દીની મનુષ્ય ગૌરવ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવણી થઇ રહી છે.સ્વાધ્યાય પરિવારના સ્થાપક અને 'જય યોગેશ્વર' શબ્દ થકી મનુષ્ય ક્રાંતિ સર્જનાર પૂ.પાંડુરંગ દાદાજીએ ઇ.સ.૧૯૫૪મા જાપાનમાં યોજાયેલી બીજી વિશ્વધર્મ પરિષદમાં 'ભક્તિ ઇઝ એ સોશિયલ ફોર્સ' જેવુ સૂત્ર આપીને ભક્તિ અને આધ્યાત્મના નવા આયામને વિશ્વ સમક્ષ મુક્યો હતો.

પૂ.દાદાજી કહેતા હતા કે 'જેમ દૂધમાં કેસર,બદામ, પિસ્તા, ઇલાયચી નાંખીને દૂધપાક બનાવવામાં આવે તો તેની કિંમત વધે છે જરૃર પણ દૂધને પોતાની પણ એક કિંમત છે અને તેને પણ એક ગુણ છે તેવી રીતે માણસ ડોક્ટર, એન્જિનિયર કે સત્તાધીશ અથવા તો નેતા જેવા વિશેષણોને કારણે વધુ ઓળખાય છે પણ સમગ્ર વિશ્વને ચલાવવાવાળી પરમ શક્તિ તેની અંદર છે તેના કારણે તેની એક વિશેષ કિંમત છે તે જ સાચુ મનુષ્ય ગૌરવ છે એટલે કે ઇશ્વરની પરમ શક્તિ મનુષ્યની અંદર છે માટે પ્રત્યેક મનુષ્યને તેના હોવાનું ગૌરવ હોવુ જોઇએ,દાદાના આ વિચારના કારણે જ તેમના પ્રાગટય દિન ૧૯ ઓક્ટોબરે 'મનુષ્ય ગૌરવ દિન' તરીકે ઉજવવામાં આવે છે.આ વિચારને સમાજના અંતિમ છેડા સુધી લઇ જવા માટે પૂ.દાદાજીએ ૮૩ વર્ષ સુધી અથાગ પ્રયત્ન કર્યો હતો. પૂ.દાદાજી અસ્પૃષ્યતા અંગે કહેતા કે માણસ અશિક્ષિત, અસ્વચ્છ, અસંસ્કારી હોઇ શકે પરંતુ અસ્પૃશ્ય કઇ રીતે હોઇ શકે ? ઉપગ્રહ છોડે તે સ્પેસ સાયન્ટિસ્ટ છે પણ સમાજમાં ખરો સાયન્ટિસ્ટ તો એ છે જે અસ્પૃશ્યતાનો પૂર્વગ્રહ છોડે. પૂ.દાદાજી એમ પણ કહેતા કે ભગવાન તમારા માટે કામ નથી કરતો પણ તે તમારી સાથે કામ કરે છે.

૧૯ ઓક્ટોબર ૧૯૨૦ના દિવસે પ્રગટેલ આ જ્યોર્તિપુંજનો ૨૫ ઓક્ટોબર ૨૦૦૩ના દિવાળીના પવિત્ર દિવસે વિલય થયો. પૂ.દાદાજીએ આરંભેલા મનુષ્ય નિર્માણ કાર્યને તેમના દીકરી પ.પૂ.જયશ્રી દીદી આગળ ધપાવી રહ્યા છે અને વૈશ્વિક ફલક પર તેનો વિસ્તાર કર્યો છે.

Next Story