Connect Gujarat
ગુજરાત

ક્ષત્રિયો લડી લેવાના મુડમાં સંકલન સમિતિની મળેલી બેઠકમાં કહ્યું રૂપાલાનો વિરોધ તો થશે.. થશે.. અને થશે જ

રાજપૂત સમાજની સંકલન સમિતિએ રાજ્યભરમાં ભાજપનો બોયકોટ કરવા અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી

ક્ષત્રિયો લડી લેવાના મુડમાં સંકલન સમિતિની મળેલી બેઠકમાં કહ્યું રૂપાલાનો વિરોધ તો થશે.. થશે.. અને થશે જ
X

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો પર વિવાદાસ્પદ ટીપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ટીપ્પણીને 27 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને આ દરમિયાન રૂપાલાએ બબ્બેવાર માફી માગી લીધી છે, આમ છતાં ક્ષત્રિયો તેની ટિકિટ રદ કરવા અડગ છે. પરંતુ હવે રૂપાલાએ ઉમેદવારી કરી દીધી છે.

જેથી 19 એપ્રિલ સુધી આપેલું અલ્ટીમેટમની ડેડલાઈન પૂરી થઈ જતા અમદાવાદના ગોતા ખાતેના રાજપૂત ભવનમાં સંકલન સમિતિ અને 92 સંસ્થાના પ્રતિનિધિઓની બેઠક મળી હતી. આ બેઠકમાં આંદોલન પાર્ટ-2નો આરંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજપૂત સમાજની સંકલન સમિતિએ રાજ્યભરમાં ભાજપનો બોયકોટ કરવા અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. આ બેઠક બાદ સંકલન સમિતિએ પ્રસ કોન્ફરન્સ યોજી 20 એપ્રિલથી રાજ્યના દરેક જિલ્લામાં ભાજપનો વિરોધ કરવા આહવાન કર્યું હતું. તેમજ 'મત એજ અસ્ત્ર અને મત એજ શસ્ત્ર'નું નવું સૂત્ર આપ્યું હતું.

સંકલન સમિતિ (કોર કમિટી) દ્વારા 19 એપ્રિલના રોજ થયેલી જાહેરાતના મુદ્દા:

26 લોકસભા સીટ ઉપર ભાજપનો જાહેરમાં વિરોધ અને વિરૂદ્ધમાં સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરવું.

ગુજરાતના ગામડે ગામડે સભાઓ (કાર્યક્રમ) આયોજિત કરીને ભાજપ વિરૂદ્ધમાં મતદાન કરાવવા સર્વ સમાજને આહવાન કરવું.

ભાજપના જાહેર સભાઓમાં કાળા વાવટાની જગ્યાએ હવેથી ભગવા (કેસરિયો) ઝંડાથી વિરોધ કરવો.

મહિલાઓ દ્વારા દરેક જિલ્લાઓમાં એક દિવસના ક્રમિક પ્રતિક ઉપવાસ ઉપર બેસવું.

દરેક જિલ્લાઓની સામાજિક સંસ્થા (કમિટી) દ્વારા શિસ્ત અને સંયમથી ભાજપ વિરૂદ્ધ મતદાન માટે કાર્યક્રમ આપવા.

ગુજરાતના 5 ઝોનમાં 22 એપ્રિલથી ધાર્મિક સ્થળથી ધર્મરથ કાઢી ગામડે ગામડે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકોને જાગૃત કરવા.

દરેક ગામડા-શહેરમાં બુથ આયોજન કરીને ભાજપ વિરૂદ્ધમાં વધારે મતદાન કરાવવું.

7 મે મતદાન દિવસ સુધી ક્ષત્રિય સમાજના લાખો લોકોની ઊર્જા અને ઉત્સાહ ચેતનમંય રહે એ માટે ભાજપ વિરૂદ્ધમાં સતત કાર્યક્રમો આપતા રહેવા.

માત્ર ગુજરાત નહિ પણ સમગ્ર ભારતના રાજ્યો સુધી આ આંદોલન પહોંચાડવામાં આવશે.

Next Story