/connect-gujarat/media/post_banners/f1ad695176714d65e1cf2768eb9f2fe243abc3f3703bbd67ceb98b35ae70e7b0.webp)
ડાંગ જેવા છેવાડાના જિલ્લાના વિકાસ કામોના ખાતમુહૂર્ત/લોકાર્પણના કાર્યો, અને યોજનાકિય લાભોના વિતરણ વેળા સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવાની સૂચના આપતા, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ, વિકાસ કાર્યો અને યોજનાકિય લાભોના વિતરણમાં અમલીકરણ અધિકારીઓની કોઈપણ પ્રકારની ઢીલ કે, કચાશ કોઈપણ સંજોગે ચલાવી લેવાશે નહી, તેમ સ્પસ્ટપણે જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની નિયુક્તિ બાદ જિલ્લા અધિકારીઓની પ્રથમ બેઠકને સંબોધતા મંત્રીએ, જે તે વિભાગને ફાળવાયેલી ગ્રાન્ટ સમયસર પૂર્ણ કરી, જરૂરી વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ પણ સમયસર મેળવી લેવાની તાકિદ કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે આયોજિત બેઠકમા મંત્રીશ્રીએ પ્રજા કલ્યાણના કાર્યો ખોટી રીતે વહીવટી પ્રક્રિયામા ન અવરોધાય તેની તકેદારી દાખવવા પણ અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વાકાંક્ષા અનુસાર, છેવાડાના માનવીઓના સર્વાંગીણ વિકાસ માટેના કાર્યો, યોજનાઓનો લાભ સમયસર સંબંધિતોને મળે તે અનિવાર્ય છે, તેમ જણાવતા પ્રભારી મંત્રીએ, પ્રજા કલ્યાણનું હિત હૈયે રાખવાની પણ સૌ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. દરમિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે જિલ્લાના સાર્વજનિક વિકાસકામો અને યોજનાઓના લાભો મંજૂર કરવામાં, અને તેના ખાતમુહૂર્ત/લોકાર્પણ સહિત વિતરણના કાર્યોમાં પદાધિકારીઓની હાજરી અનિવાર્ય છે તેમ જણાવ્યુ હતું.