Connect Gujarat
ગુજરાત

સોમનાથ જઇ રહેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલોને સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે આવકારતા ધારાસભ્ય કિરીટસિંહ રાણા

સોમનાથ જઇ રહેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલોને સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે આવકારતા ધારાસભ્ય કિરીટસિંહ રાણા
X

તમિલનાડુથી મદુરાઈ- વેરાવળ ટ્રેનના સુરેન્દ્રનગર સ્ટોપેજ દરમિયાન તમિલ યાત્રિકોનું જિલ્લા વહીવટતંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરાયુ

તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈબહેનોને પોતાની માતૃભૂમિ સાથે પૂનર્મિલન કરાવવાના હેતુથી યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે તામિલનાડુથી નીકળેલી મદુરાઈ- વેરાવળ ટ્રેન સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર આવી પહોંચતા ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને જિલ્લા વહીવટીતંત્ર વતી કલેકટર કે.સી.સંપટ દ્વારા યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલ સંગમ કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર યાત્રીઓને લઈને મદુરાઈથી નીકળેલી મદુરાઈ- વેરાવળ ટ્રેનનું રાત્રે ૯:૨૫ કલાકે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે આગમન થયું હતું. ટ્રેનના સુરેન્દ્રનગર સ્ટોપેજ દરમિયાન રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત નાગરિકોએ તમિલ અને મૂળ સૌરાષ્ટ્રના વતનીઓનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. સ્વાગતથી અભિભૂત થયેલા તામિલ બાંધવો ઢોલ નગારાના નાદે નાચી ઊઠ્યા હતા અને સમગ્ર પ્લેટફોર્મ પર ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું.

નોંધનીય છે કે, બારસો વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાંથી મહાહિજરત વેળાએ હજારો લોકોએ તામિલનાડુ પહોંચીને ત્યાં વસવાટ કર્યો અને સ્થાયી થયા હતા. આ તમિલ ભાઈબહેનોને પુનઃ સૌરાષ્ટ્ર સાથે જોડવા "સૌરાષ્ટ્ર તમિલ સંગમ" કાર્યક્રમ ગુજરાતમાં યોજાનાર છે જે સંદર્ભે તમિલનાડુથી હજારો તમિલ ભાઈ-બહેનો સ્પેશિયલ ટ્રેનો મારફતે ગુજરાત આવી રહ્યા છે. તમિલ ભાઈ-બહેનોને પુનઃ સૌરાષ્ટ્ર સાથે જોડવા "સૌરાષ્ટ્ર તમિલ સંગમ" કાર્યક્રમ ૧૭ થી૩૦ એપ્રિલ સુધી ગુજરાતમાં યોજાશે. તમિલ સૌરાષ્ટ્રવાસીઓનો મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાશે અને ત્યારબાદ તમિલ યાત્રીઓ ગુજરાત ભ્રમણમાં જોડાશે.

આ ગુજરાત યાત્રા સુરેન્દ્રનગર ખાતે પહોંચતા સુરેન્દ્રનગર- દુધરેજ-વઢવાણ નગરપાલિકા પ્રમુખવિરેન્દ્ર આચાર્ય, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ,વર્ષાબેન દોશી, દિલીપભાઈ પટેલ, રાજભા ઝાલા, જયેશ પટેલ તેમજ નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી સહિત મોટી સંખ્યામાં નાગરિકો સ્વાગતમાં ઉમટ્યા હતા.

Next Story