પંચમહાલ વાવ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બનાવતી વેળા કૂકર ફાટતાં 4 વિદ્યાર્થિનીઓ દાઝી

મધ્યાહન ભોજનના સંચાલક દ્વારા વિદ્યાર્થીનીઓના વારા પાડવામાં આવ્યા હતા. જે મુજબ આજે 4 વિદ્યાર્થીનીઓ શાળાના મધ્યાહન ભોજન રૂમમાં દાળ-ઢોકળી બનાવવા માટે રોટલી વણવાનું કામ કરી રહી હતી

New Update

હાલોલ તાલુકાની વાવ પ્રાથમિક શાળાની ઘટના

મધ્યાહન ભોજન બનાવવાના કામ વેળા દુર્ઘટના

કૂકર ફાટતાં 4 વિદ્યાર્થિનીઓ હાથે અને પગે દાઝી

બનાવના પગલે વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો

વિદ્યાર્થિનીઓ પાસે ભોજન બનાવાતું હતું : વાલી

 પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બનાવવાનું કામ કરતી વેળા કૂકર ફાટતાં 4 વિદ્યાર્થિનીઓ દાઝી જતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. એક તરફ રાજ્ય સરકાર દ્વારા હાલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં હાલ પ્રાથમિક શાળાઓમાં કન્યાઓના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે તે માટે તેઓને બાલવાટીકા અને શાળામાં પ્રવેશ અપાય રહ્યા છે.

તો બીજી તરફપ્રાથમિક શાળાઓમાં ભણતી કન્યાઓ પાસે ફરજિયાત મધ્યાહન ભોજનનું કામ કરાવવામાં આવતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બનાવતા કુકર ફાટ્યું હતું. વાવ પ્રાથમિક શાળાના આચાર્ય અને મધ્યાહન ભોજનના સંચાલક દ્વારા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પાસે ભોજન બનાવવાની અને વાસણો મંજાવવાની કામગીરી કરાવવામાં આવી રહી હતી.

જે માટે શાળાના આચાર્ય અને શિક્ષક સહિત મધ્યાહન ભોજનના સંચાલક દ્વારા વિદ્યાર્થીનીઓના વારા પાડવામાં આવ્યા હતા. જે મુજબ આજે 4 વિદ્યાર્થીનીઓ શાળાના મધ્યાહન ભોજન રૂમમાં દાળ-ઢોકળી બનાવવા માટે રોટલી વણવાનું કામ કરી રહી હતી. જોકેઆવતીકાલે શાળામાં પ્રવેશોત્સવ હોવાથી શાળામાં તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન શાળામાં કુકર ફાટવાની ઘટના બનતા 4 વિદ્યાર્થીનીઓ સામાન્ય દાઝી ગઈ હતી.

 જેથી શાળાના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. મામલો વાલીઓ સુધી ન પહોંચે તે માટે શાળાના શિક્ષકોએ અનેક પ્રયાસો કર્યા છતાં એક વિદ્યાર્થીનીની માતા શાળામાં પહોંચી જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ચારેય વિદ્યાર્થીનીઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીનીઓના વાલીઓ આ અંગે ફરિયાદ કરવા હાલોલ રૂરલ પોલીસ મથકે પહોંચ્યા હતા.

#પંચમહાલ #મધ્યાહન ભોજન #મધ્યાહન ભોજન યોજના
Here are a few more articles:
Read the Next Article