ભરૂચની જય અંબે શાળા દ્વારા આયોજિત ત્રિદિવસીય શિબિરનો વાલીઓએ પણ લ્હાવો લીધો

રાગા થેરાપીનો શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને લાભ મળી રહે તે માટે તા. 21 થી 23 દરમ્યાન જય અંબે ઇન્ટરનેશનલ શાળાના મેનેજમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું,

author-image
By Connect Gujarat Desk
રાગા થેરાપીની પુર્ણાહુતી
New Update

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ શાળામાં વેદ ઉપચારણથી મ્યુઝિક થેરાપીની ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આજે શિબિરના અંતિમ દિવસે મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

આપણાં દેશમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનું ખૂબ જ મહત્વ રહ્યું છે. તા. 21 જૂન 2024ના રોજ વિશ્વ સંગીત દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ શાળા દ્વારા વિશેષ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વેદ ઉપચારણથી મ્યુઝિક થેરાપીની ત્રિદિવસીય શિબિરના આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

છેલ્લા 25 વર્ષથી મ્યુઝિક થેરાપી આપતા અને મ્યુઝિક થેરાપી થકી કોમાના અનેક દર્દીઓને મ્યુઝિક થેરાપીથી સાજા કરનાર ડો. સૂચિતા રક્ષિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડો. સૂચિતા રક્ષિતએ સિતાર, સારંગી, વાંસળી, તબલા, હાર્મોનિયમ જેવા શાસ્ત્રીય વાજિંત્રો અને મંત્ર ઉચ્ચારણો થકી ઉપસ્થિતોને શાસ્ત્રીય સંગીતનું મહત્વ સમજાવ્યું હતું. 

જય અંબે ઇન્ટરનેશનલ શાળા ખાતે આયોજિત ત્રિદિવસીય રાગા થેરાપીના કાર્યક્રમના અંતિમ દિવસે વિદ્યાર્થીઓને રાગા થેરાપી અપાયા બાદ તેમના શરીરમાં લોહીના પ્રવાહમાં તેમજ ઑક્સીજન લેવલ તદુપરાંત તેમની માનસિક પુલકિતતામાં ઘણો જ ફર્ક જોવા મળ્યો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુજિક થેરાપી મેળવ્યા બાદ અનેક વિદ્યાર્થીઓ સહિત તેઓના વાલીઓ પણ વધુ પડતાં પુલકિત અને ખુશ નજરે પડ્યા હતા. મ્યુજિક થેરાપી થકી વિદ્યાર્થીઓના શરીરમાં સાતેય ચક્ર કેવી રીતે ઉજાગર કરવામાં આવે તે પણ વિસ્તાર પૂર્વક સંગીતના માધ્યમથી વિધિવત રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓએ તણાવમુક્ત અનુભવ કર્યો હોવાનું પણ જણાવ્યુ હતું. 

જોકે, રાગા થેરાપીનો શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને લાભ મળી રહે તે માટે તા. 21, 22 અને 23 જૂન 2024' દરમ્યાન જય અંબે ઇન્ટરનેશનલ શાળાના મેનેજમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ પ્રસંગે આચાર્ય આશિષ પાંડે, આચાર્ય પ્રદીપ સરકાર, આચાર્ય શુભમ શંકર, આચાર્ય એઝાર હુસેન, આચાર્ય લવીણ્યા અંબાદે, આચાર્ય ધીરજકુમાર પાંડે, આચાર્ય અજય શુક્લા, આચાર્ય મયુરકુમાર રાવલ, આચાર્ય ડો. જતન મહેતા, આચાર્ય હિમાની અનુજ સહિત કાર્યક્રમના સંયોજક તરીકે નરેશ છાબરાએ ઉપસ્થિત રહી વેદની ઋચાઓનું ઉચ્ચારણ કરી વિદ્યાર્થીઓને આધ્યાત્મિક જ્ઞાન તેમજ એકાગ્રતા કેળવાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

 

#શિબિર #જય અંબે શાળા #મ્યુઝિકથેરાપી #રાગા થેરાપી #ભરૂચ જય અંબે શાળા
Here are a few more articles:
Read the Next Article