તા. 30 સપ્ટેમ્બરે PM મોદી આવશે અંબાજી મંદિરે
ગબ્બર ખાતે PM મોદી મહાઆરતીનો લ્હાવો લેશે
વિવિધ પ્રકલ્પોનું PM મોદી દ્વારા ભૂમિપૂજન કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તા. 30 સપ્ટેમ્બરે PM મોદી અંબાજી મંદિરમાં પૂજા કરશે, તેમજ ગબ્બર ખાતે પણ મહાઆરતીમાં ભાગ લેશે. આ પ્રસંગે વડાપ્રધાનના હસ્તે અંબાજીમાં પ્રસાદ યોજના અંતર્ગત શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂપિયા 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરાશે. દર વર્ષે 1 કરોડથી વધુ શ્રધ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે આવે છે, અને છેલ્લા 5 વર્ષમાં શ્રધ્ધાળુઓની સંખ્યામાં 13 ટકાનો વધારો થયો છે. જેને ધ્યાને લઇ, રાજ્ય સરકારે અંબાજી યાત્રાધામને PRASAD યોજનામાં આવરી લેવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. જેનો કેન્દ્રએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો અને શ્રધ્ધાળુઓ માટે વિવિધ સગવડો ઉભી કરવા માટે રૂપિયા 50 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. આ નાણાકીય ફાળવણીમાંથી અંબાજી મંદિર ખાતે બિલ્ડીંગ, CCTV કેમેરા, સોલાર પેનલ, વ્હીકલ ચાર્જિગ પોઇન્ટ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એપ્રોચ રોડ, પાથ-વે, પાર્કિગ, રેમ્પ, લેન્ડ સ્કેપિંગ જેવા કામો હાથ કરવામાં આવશે. આ ઉપરાંત ગબ્બર ખાતે પણ સ્ટોન પાથ-વે, શુધ્ધ પીવાના પાણીની સુવિધા, CCTV કેમેરા અને પોલીસ બૂથ જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. અંબાજી ખાતે નિર્માણ પામનાર આ તમામ સુવિધાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે.