Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના નવા સુકાનીઓ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાય...

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના નવા સુકાની માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે,

X

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના નવા સુકાની માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે ભાવનગર, ગીર સોમનાથ અને વડોદરા સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં દાવેદારોએ નિરીક્ષકો સામે ઉત્સાહપૂર્વક પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશના નિરીક્ષકો પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, જામનગરના પૂર્વ મેયર અમી પારેખ અને રાજકોટના પૂર્વ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ ભાવનગર મહાનગરપાલિકાના મેયર, ચેરમેન, ડે.મેયર જેવા હોદ્દાઓ અંગે નગરસેવકોની દાવેદારી અને કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી. ભાવનગર-બોટાદના સાંસદ, ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ તેમજ ત્રણેય મહામંત્રીઓ સહિત સમગ્ર શહેર સંગઠનની ઉપસ્થિતિમાં ચૂંટાયેલા નગરસેવક, વોર્ડ સંગઠનના હોદ્દેદારો, તમામ સેલ-મોરચાના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ મહાનગરપાલિકાના પદાધિકારીઓની નવી વરણી અંગે ઉત્સાહપૂર્વક પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

તો બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની ખાનગી હોટલમાં પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ગીર સોમનાથ જિલ્લા પંચાયત સહિત 06 તાલુકા પંચાયત, 04 નગરપાલિકા માટે પ્રદેશ ભાજપ દ્વારા વિભાવરી દવે, પ્રદીપ વાળા અને ધવલ દવેની નિરીક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, ત્યારે પ્રદેશ નિરીક્ષકો દ્વારા તમામ સમાજના આગેવાનો, સંગઠનના હોદેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી. આ વેળા જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા સહિત સંગઠનના મુખ્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા ખાતે પણ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપમાંથી દીપક સાથી સહિતના 3 નિરીક્ષકો શહેર ભાજપ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા. આગામી તા. 9 સપ્ટેમ્બરના રોજ તમામ હોદ્દા ઉપર અઢી વર્ષની ટર્મ પૂર્ણ થાય છે, ત્યારે તા. 11મી સપ્ટેમ્બરના રોજ કોર્પોરેશનના સભાગૃહમાં મેન્ડેટ મુજબ નવા મેયર, ડેપ્યુટી મેયર, અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોના નામ જાહેર કરવામાં આવશે. મેયરની નિયુક્તિ બાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેનના નામની જાહેરાત થશે. જોકે, દાવેદારોએ હોદ્દા મેળવવા ગોડફાધર થકી ગાંધીનગર અને દિલ્હી સુધી એડીચોટીનું જોર લગાવ્યું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

Next Story