-
દર વર્ષે ભારે વરસાદને લઈ ઓઝત નદી વહે છે બે કાંઠે
-
પાણી વહેતા પાળા તૂટવાની ઘટનાથી સર્જાતો જળબંબાકાર
-
સિંચાઈ વિભાગ દ્વારા ચાલતું બિસ્માર પાળાનું સમારકામ
-
પાળા એક મીટર વધુ ઊંચો બનાવવામાં આવે તેવી માંગ
-
ચોમાસા પહેલાં પાળો તૈયાર થાય તેવી ખેડૂતોની માંગ
જુનાગઢના ઘેડ પંથકમાં દર વર્ષે ભારે વરસાદને લઈને ઓઝત નદી 2 કાંઠે વહેતા પાળા તૂટવાની ઘટનાથી જળબંબાકાર સર્જાય છે. જોકે, હાલ સિંચાઈ વિભાગ દ્વારા બિસ્માર પાળાનું સમારકામ ચાલી રહ્યું છે, ત્યારે આ પાળા એક મીટર વધુ ઊંચો બનાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલાં પાળાની સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષે 1 કરોડથી વધુ ખર્ચે પથ્થરના બ્લોક (ગેબિયન) સાથે સ્ટેપવાળો પાળો બનાવવામાં આવ્યો હતો. પરંતુ બન્યું એવું કે, અનુભવી ખેડૂતોના કહેવા છતાં આ પાળો અન્ય પાળાની સરખામણીએ 1 મીટર જેટલો નીચો બનાવવામાં આવ્યો હતો. જેને લઈ ચોમાસાની શરૂઆતના પ્રથમ પુરના કારણે નદીનું પાણી પાળાને ઓળંગતા પાળાની પાછળના ભાગની માટીનું ધોવાણ થતાં તૂટી પડ્યો હતો. આ સાથે જ મોટા પ્રમાણમાં ખેતીની જમીનમાં પાણી ફરી વળતાં ખેડૂતોને ફરી નુકશાન થવા પામ્યું હતું.
જોકે, હવે ચાલું વર્ષે ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે પાળાનું પુનઃ સમારકામ કરવામાં આવતાં પુરના લેવલની સ્થિતિનો અનુભવ ધરાવતાં ખેડૂતોએ અગાઉ આપેલી સલાહ મુજબ પાળો વધુ 1 મીટર ઉંચો કરવા રજૂઆત કરાતાં કામગીરી ખોરંભે પડી હતી, ત્યારે ફરીથી આ પાળો તૂટે નહીં તેવી ખેડૂતોની ટેકનિકલી સલાહ ગળે ઉત્તરતાં સિંચાઈ વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરે ખેડૂતોની વાત ગ્રાહ્ય રાખી હતી, અને પાળાને એક મીટર ઊંચો બનવવા નિર્ણય લીધો હતો. તો બીજી તરફ, ખેડૂતોએ ચોમાસા પહેલાં પાળો તૈયાર થાય તેવી માંગ કરી છે.