/connect-gujarat/media/post_banners/23cb6c14e3eea1966f49bd377a90d37ea3bc9e605f486f9bd1521ccd28b0f33a.webp)
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત સહાયક રાજ્યવેરા કમિશ્નર કચેરીમાં વર્ગ-3ના કર્મચારી તરીકે ફરજ બજાવતા ટેક્ષ ઇન્સ્પેક્ટર પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા. ગઈકાલે સોમવારે સાંજે સાત વાગ્યે કચેરીમાં જ લાંચિયો ટેક્ષ ઇન્સ્પેક્ટર એક વેપારી પાસે પેઢી નિરીક્ષણ માટે માગેલી લાંચની રકમ લેતા એસીબીના છટકામાં ફસાઈ ગયો હતો.
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત રાજ્યવેરા GST કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા ટેક્ષ ઇન્સ્પેક્ટર પુષ્પક કુમાર શાંતિલાલ પંચાલે સ્થાનિક એક વેપારીની પેઢીનું નિરીક્ષણ અને GST નંબરની કામગીરી માટે 5 હજાર રૂપિયાની માંગણી કરી હતી. વેપારી આ રકમ આપવા નહીં ઇચ્છતો હોવાથી તેને લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરી GST ટેક્ષ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગોધરા એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. સાંજે સાત વાગ્યે વેપારી સહાયક રાજય વેરા કમિશ્નર કચેરી પહોંચી ટેક્ષ ઇન્સ્પેક્ટરને મળી તેની પેઢી નિરીક્ષણ અને GST નંબરની કામગીરી પેટે માંગવામાં આવેલા રૂપિયા પાંચ હજાર ટેક્ષ ઇન્સ્પેક્ટરને આપતા ઇન્સ્પેક્ટર તે રકમ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. ઘટનાને પગલે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.