/connect-gujarat/media/post_banners/75c511bd4b1c4fea6923dc9095efa418c3469869fc0ac30f1e057f99b023d891.webp)
આજે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. કેજરીવાલ શુક્રવારે રાજ્યના લોકોના અભિપ્રાયના આધારે તેમની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. પાર્ટીના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે. 29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.
અરવિંદ કેજરીવાલે લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું. તેના આધારે 4 નવેમ્બરે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી પદની રેસમાં AAP નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય છે. કેજરીવાલ શુક્રવારે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.