નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા હાઇપ્રોફાઇલ કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.

વનકર્મી પર હુમલો કરવા, માર મારવા અને ધમકી આપવાના મામલામાં ગુજરાત હાઇકોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન સહિત કુલ પાંચ આરોપીઓને જામીન મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, વન વિભાગના કર્મચારી સાથેની ઘર્ષણની આ ઘટનામાં જિલ્લા કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આરોપીઓને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કેસમાં કૂલ 9 લોકો જેલમાં હતા, જેમાંથી અગાઉ 17 દિવસનું બાળક ધરાવતી મહિલા આરોપીને જામીન મળી ચૂક્યા હતા.

હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન સહિત અન્ય ચાર લોકોને જામીન આપવામાં આવ્યા છે. જોકે, આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત હજુ ત્રણ આરોપીઓ જેલમાં જ રહેશે. પત્ની અને સહ-આરોપીઓને હાઇકોર્ટમાંથી જામીન મળતા તેમના સમર્થકો અને પરિવારજનોમાં આશ્વાસનનો માહોલ જોવા મળ્યો છે.