અંકલેશ્વર મુશળધાર વરસાદથી જળબંબાકાર
સીઝનનો કુલ વરસાદ 20 ઇંચને પાર
આમલાખાડી ઓવરફ્લો થતાં માર્ગો બંધ
હાંસોટ રોડ કડકિયા કોલેજ પાસે પાણીમાં ગરકાવ
પાલિકા સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ અને લાચારી
અંકલેશ્વરમાં રાત્રિ દરમિયાનથી અવિરત વરસેલા અનરાધાર વરસાદે સમગ્ર જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 519 મિલીમીટર, એટલે કે 20 ઇંચથી વધુ નોંધાયો છે.
અંકલેશ્વરમાં રાત્રિ દરમિયાનથી અવિરત વરસેલા અનરાધાર વરસાદે સમગ્ર જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મુશળધાર વરસાદના કારણે સંજય નગર, રઘુવીર નગર સહિતના રહેણાંક વિસ્તારો જળમગ્ન બન્યા હતા.આ ઉપરાંત મહાવીર ટર્નિંગથી રેલવે સ્ટેશન રોડ મામલતદાર ઓફિસ પાસેના માર્ગ ઉપર પણ વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને માઠી અસર પહોંચી હતી.
વધુમાં અંકલેશ્વરની આમલાખાડી ઉફાણે ચઢતા પિરામણ ગામથી નેશનલ હાઈવેને જોડતા માર્ગ પર આમલાખાડીના પાણી ફરી હતા, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. બીજી તરફ અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર આવેલી કડકિયા કોલેજ પાસે પણ ખાડીના પાણી રોડ પર આવી જતાં તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.
માત્ર ગ્રામ્ય કે હાઇવે જ નહીં, પરંતુ અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર તેમજ નોટિફાઇડ એરિયાના રહેણાંક વિસ્તારોમાં પણ ચોતરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું. શહેરના સંજયનગર અને રઘુવીર નગર જેવા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં મોટું નુકશાન થયું છે. ઘરવખરી પલળી જતા રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
વરસાદમાં પોતાના જ ઘરો જળમગ્ન બનતાં સ્થાનિક રહીશોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. સ્થાનિકોએ નગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઠાલવ્યો હતો. ચોમાસા પહેલાં નાળા અને ખાડીની સફાઈ ન થઈ હોવાનો આક્ષેપ કરીને વિકટ પરિસ્થિતિમાં મુકાયેલા લોકો અત્યારે મદદ માટે લાચાર બન્યા હતા.
હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ વરસાદી માહોલ જળવાઈ શકે છે, ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાય તે અત્યંત જરૂરી બન્યું છે.
