પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ચૂંટણી રેલી પૂરી કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક તેમનો કાફલો રોકીને સૌને ચોંકાવી દીધા હતા. વડાપ્રધાન રસ્તા કિનારે આવેલી એક નાનકડી ‘ઝાલમુરી’ (બંગાળી ભેળ) ની દુકાને પહોંચ્યા હતા અને સામાન્ય નાગરિકની જેમ નાસ્તાનો આનંદ માણ્યો હતો.
દુકાનદાર સાથે રમુજી વાતચીત
જ્યારે દુકાનદાર વિક્રમ સાવ ઝાલમુરી તૈયાર કરી રહ્યો હતો, ત્યારે તેણે વડાપ્રધાનને પૂછ્યું કે, “સાહેબ, શું તમે ડુંગળી ખાશો?” વડાપ્રધાને તેમના ચિરપરિચિત અંદાજમાં હસતા હસતા જવાબ આપ્યો, “હા, હું ડુંગળી પણ ખાવ છું, બસ કોઈનું મગજ નથી ખાતો!” વડાપ્રધાનનો આ રમુજી જવાબ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.
10 રૂપિયાની ઝાલમુરી અને સામાન્ય જનતા સાથે મુલાકાત
પીએમ મોદીએ દુકાનદાર પાસે ૧૦ રૂપિયાની ઝાલમુરીનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે મુરી તૈયાર થઈ, ત્યારે વિક્રમે પૈસા લેવા માટે આનાકાની કરી હતી, પરંતુ વડાપ્રધાને આગ્રહપૂર્વક ખિસ્સામાંથી પૈસા કાઢીને તેને ચૂકવ્યા હતા. એટલું જ નહીં, વડાપ્રધાને પોતાની સાથે ઉભેલા બાળકો અને અન્ય લોકોને પણ ઝાલમુરીનો સ્વાદ ચખાડ્યો હતો.
દુકાનદાર વિક્રમ સાવનો અનુભવ
મૂળ બિહારના ગયા જિલ્લાનો વતની અને ઝારગ્રામમાં ઝાલમુરી વેચતો વિક્રમ સાવ આ ઘટનાથી અભિભૂત થઈ ગયો હતો. તેણે જણાવ્યું કે, “મને વિશ્વાસ જ નહોતો થતો કે દેશના વડાપ્રધાન મારી સામે ઉભા છે. તેમણે મારું નામ, મારા પિતાનું નામ અને મારા ઘર વિશે પૂછપરછ કરી. તેઓ આટલા મોટા પદ પર હોવા છતાં અત્યંત સરળતાથી વાત કરી રહ્યા હતા.”
‘મુડી પે ચર્ચા’ સોશિયલ મીડિયા પર વાયરલ
વડાપ્રધાનના આ સહજ જનસંપર્કની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ‘મુડી પે ચર્ચા’ તરીકે વાયરલ થયા છે. પીએમ મોદીએ પોતે પણ આ ક્ષણની તસવીરો એક્સ (X) પર શેર કરી હતી. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે દેશના વડાપ્રધાન આ રીતે રસ્તા પર ઉભા રહીને સામાન્ય માણસની જેમ નાસ્તો કરશે.
