સુરત : મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો, 27 લોકો મોતને ભેટ્યા

New Update
સુરત : મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો, 27 લોકો મોતને ભેટ્યા

સુરતમાં મ્યુકોરમાઇકોસીસનો કહેર યથાવત જોવા મળ્યો છે. શહેરની સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં વધુ નવા 5 દર્દીઓ દાખલ થયા છે, ત્યારે કુલ 180 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ઉપરાંત મ્યુકોરમાઇકોસીસથી પીડાતા 3 દર્દીઓની ગતરોજ આંખો કાઢવાની પણ તબીબોને ફરજ પડી હતી.

સુરત શહેરમાં કોરોનાના કહેર બાદ હવે મ્યુકોરમાઇકોસીસ નામનો રોગ વકરી રહ્યો છે. શહેરમાં દિનપ્રતિદિન મ્યુકોરમાઇકોસીસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગતરોજ નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના વધુ 3 દર્દી દાખલ થયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કુલ 131 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 185 દર્દીઓ સારવાર લઈ ચુક્યા છે. સિવિલ હોસ્પિટલમાં ગતરોજ ઈ.એન.ટી., આંખ અને દાંત વિભાગના તબીબોએ નાની મોટી મળી કુલ 10 સર્જરી કરી છે. જેમાં મ્યુકોરમાઇકોસીસથી પીડાતા 3 દર્દીઓની આંખ કાઢવાની ફરજ પડી હતી. જોકે, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસથી 17 લોકોના મોત નિપજ્યા છે. ઉપરાંત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગત રોજ વધુ 2 દર્દી દાખલ થતાં હાલ 49 દર્દી સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 204 દર્દી સારવાર લઈ ચુક્યા છે અને કુલ 31 દર્દીની સર્જરી થઈ ચૂકી છે. ઉપરાંત 10 દર્દીઓના મોત પણ નિપજ્યા છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી કુલ 27 લોકો મોતને ભેટ્યા છે.

Latest Stories