ઉત્તર પ્રદેશના કાસગંજમાં શનિવારે એક તળાવમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 24 લોકોના મોત થયા હતા. જેમાં 8 બાળકોનો સમાવેશ થાય છે. ટ્રોલીમાં 54 લોકો હતા. 30 ઘાયલોમાંથી 8ની હાલત ગંભીર છે અને તેમને અલીગઢ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
બાકીના 22 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તમામ લોકો એટાના જૈથરાના રહેવાસી છે. રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્પીડના કારણે થયો હતો. ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડ પરથી ઉતરી તળાવમાં પડી ગયું હતું. આ લોકો માઘી પૂર્ણિમાના દિવસે કાસગંજના કાદરગંજ ઘાટ પર ગંગામાં સ્નાન કરવા જઈ રહ્યા હતા, ત્યારે રિયાવગંજ પટિયાલી રોડ પર ગધઈ ગામ પાસે આ અકસ્માત થયો હતો.