ભજનલાલ શર્મા બન્યાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી
3જા રાજ્યમાં પણ ભાજપનો ચોંકાવનારો નિર્ણય
ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો અંતિમ નિર્ણય
જયપુરમાં મળી હતી ભાજપ ધારાસભ્ય દળની બેઠક
સાંગાનેર બેઠકના ધારાસભ્ય છે ભજનલાલ શર્મા
રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાતની આખા દેશની નજર હતી જે હવે ભાજપે પોતાની પરંપરા મુજબ ફરી સૌને ચોંકાવી રાજસ્થાનના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે. સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પ્રદેશ કાર્યાલય ખાતે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા નક્કી કરાયેલા નામની જાહેરાત કરવામાં આવી હતી અને એ નામ પર સૌએ સહમતી દર્શાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વસુંધરા રાજેએ જ નવા મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ સાથે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા ડેપ્યુટી સીએમ હશે. જ્યારે વાસુદેવ દેવનાની વિધાનસભાના અધ્યક્ષ હશે. બેઠક પહેલા રાજનાથ સિંહે ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ભજનલાલ શર્મા સંઘની પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેઓ મૂળ ભરતપુરના રહેવાસી છે. હાલમાં તેઓ પ્રદેશ મહામંત્રી પદ પણ સંભાળી રહ્યા હતા.
કોણ છે ભજન લાલ શર્મા..?
ભજન લાલ શર્મા ચાર વખત ભારતીય જનતા પાર્ટીનાં મહાસચિવ બન્યાં છે. 2023ની આ ચૂંટણીમાં સાંગાનેર વિધાનસભા ક્ષેત્રની ચૂંટણીમાં ભજનલાલે કોંગ્રેસનાં ઉમેદવાર પુષ્પેંદ્ર ભારદ્વાજને 48081 વોટનાં અંતરથી હાર આપી હતી. ભાજપે તેમને પહેલીવાર જયપુરની સાંગાનેર જેવી સુરક્ષિત સીટ પરથી ચૂંટણી લડાવી હતી. વર્તમાન ધારાસભ્ય અશોક લાહોટીની ટીકિટ કાપીને ભજનલાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા આ જીત બાદ તેઓ પહેલી વખત ધારાસભ્ય બન્યાં છે. અને હવે તેમને રાજસ્થાનની કમાન સોંપી દેવામાં આવી છે.
56 વર્ષીય ભજનલાલ શર્માએ માસ્ટર્સની ડિગ્રી કરેલી છે અને તેઓના અનેક બિઝનેસ છે. સંગઠનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં લેતાં તેમને રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભજન લાલ શર્મા ભરતપુરનાં રહેવાસી છે. બાહરી હોવા છતાં પણ તેમણે સાંગાનેરમાં મોટી જીત હાસિલ કરી હતી..