આજે ભાજપના દિગ્ગજ અને વરીષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો 96મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટીની કલ્પના અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી વગર કરી જ ન શકાય. ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખવામાં આ બન્ને દિગ્ગજ નેતાઓનું મોટું યોગદાન રહ્યું છે.
એલ.કે.અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927 ના રોજ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. તેમના પિતા એક વ્યાપારી હતા.1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પછી તેમનો પરીવાર કરાચીથી મુંબઈ આવી ગયો હતો.પાકિસ્તાનથી ભારતમાં આવતા તેમણે મુંબઈની બોમ્બે યુનિવર્સિટીથી વકીલાતની ડીગ્રી લીધી. વર્ષ 1965માં એલ.કે.અડવાણીના લગ્ન કમલા દેવી સાથે થયા. તેમના પરીવારમાં એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે. લાલકૃષ્ણ અડવાણીની રાજનિતીક સફરની શરુઆત વર્ષ 1942માં RSSમાં સ્વયંસેવક સંઘ તરીકે થઈ હતી. વર્ષ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ RSS સાથે મળીને જનસંઘની સ્થાપના કરી RSSના સદસ્ય હોવાથી અડવાણી જનસંઘ સાથે જોડાઈ ગયા. સૌથી પહેલા તેમને રાજસ્થાનમાં જનસંઘનું કામ સોંપાયું. સમય જતા તેઓ 1957માં દિલ્હી આવ્યા અહીંયા તેમને દિલ્હી જનસંઘના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા. વર્ષ 1967માં તેઓ દિલ્હી મહાનગરની ચૂંટણી લડયા અને પહેલી વખત ઈન્ટરીમ મેટ્રોપોલિટન કાઉન્સિલના નેતા બન્યા અને 1970માં અડવાણી પહેલીવાર રાજ્યસભા પહોંચ્યા.
અડવાણીજીએ આત્મકથા લખી છે 'માય કન્ટ્રી, માય લાઈફ'. હિન્દીમાં 'મેરા દેશ, મેરા જીવન'. આ આત્મકથામાં તેમને સોમનાથ મહાદેવ પ્રત્યે પોતાને કેવી રીતે લગાવ થયો તેની વાત વર્ણવી છે. તેઓ લખે છે 'અયોધ્યા રામ મંદિર ચળવળને તેના સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવા માટે, પહેલાં સ્વતંત્ર ભારતમાં પ્રખ્યાત મંદિરના પુનરુત્થાન વિશે જાણવું જરૂરી છે. અહીં ગુજરાતના સૌરાષ્ટ્ર કિનારે આવેલા પ્રભાસ પાટણના સોમનાથ મંદિરની વાત કરું છું. જે ભારતના પૌરાણિક અને ઐતિહાસિક ભૂતકાળથી વાકેફ નથી, તેમના માટે તે માનવું મુશ્કેલ હશે કે દરિયા કિનારે આવેલું આ એકલું મંદિર ભારતના સંઘર્ષ, વેદના, વિજય અને રાષ્ટ્રીય ગૌરવની કેવી કેવી કહાનીઓ વર્ણવે છે. મારી યુવાનીમાં મેં ડો. કન્હૈયાલાલ માણિકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા 'જય સોમનાથ' વાંચી હતી, જેની મારા પર ઊંડી અસર થઈ હતી. આ નવલકથા મૂળ ગુજરાતી ભાષામાં છે, મેં તેનો હિન્દી અનુવાદ વાંચ્યો. તે સમયે હું બાવીસ વર્ષનો હોઈશ.' સોમનાથ પ્રત્યેના લગાવના કારણે જ તેમણે રામ રથયાત્રા અહીંથી શરૂ કરવાનું નક્કી કર્યું.
વડાપ્રધાન પદ માટે અડવાણીજીનું નામ અનેકવાર આગળ થયું પણ તે છેલ્લે સુધી વડાપ્રધાન બની શક્યા નહીં. 2014ની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન પદના ચહેરા તરીકે નરેન્દ્ર મોદીને જાહેર કર્યા, ત્યારે અડવાણીજીની નારાજગી સામે આવી અને તેમણે 10 જૂન 2013ના રોજ ભાજપમાં પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું જોકે પાર્ટીએ સ્વીકાર્યું નહીં અને બાદમાં તેમને મનાવી લેવામાં આવ્યા. 2014માં તેમણે લોકસભાની છેલ્લી ચૂંટણી ગાંધીનગરથી લડીને જીત્યા બાદમાં 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી.